ગુજરાતમાં ઠંડીનું જોર યથાવત નલિયામાં ૩.૨ ડિગ્રી તાપમાન

અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યભરમાં છેલ્લાં બે દિવસથી ગાત્રો થીજવતી ઠંડી પડી રહી છે ત્યારે બુધવારે પણ સમગ્ર રાજ્યમાં સૌથી વધુ ઠંડી નલિયામાં પડી હતી. નલિયામાં ૩.૨ ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. જ્યારે ગાંધીનગરમાં ૮.૨ અને ડીસામાં ૮.૩ ડિગ્રી તાપમાન રહ્યું હતુ. હવામાન વિભાગની આગાહી છે કે આજે ગુરૂવારે પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડીનું પ્રમાણ યથાવત રહેશે.

રાજયમાં છેલ્લાં દસેક દિવસથી કાતિલ ઠંડી પડી રહી છે ત્યારે અમદાવાદ સહિતના અન્ય શહેરોના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ઉત્તર ભારતમાં હિમવર્ષા થયા બાદ સતત શીત લહેર ચાલુ રહેતા ગુજરાતના મોટાભાગના વિસ્તારો ઠંડીની લપેટમાં આવી ગયા છે. દિવસે પણ ઠંડો પવન ચાલુ રહેતા લોકોને દિવસભર ગરમ વસ્ત્રોમાં લપેટાઈ રહેવું પડે છે.

લગભગ એક સપ્તાહથી ઠંડીનું જોર વધવા પામ્યુ છે જેના કારણે જનજીવન પર તેની માઠી અસર જોવા મળે છે. લોકોની દિનચર્યામાં પણ ખાસ્સો ફેરફાર થઈ ગયો છે. સવારની શાળા અને કોલેજોમાં જતા વિદ્યાર્થીઓને ફરજિયાત સ્વેટર અને અન્ય ગરમ વસ્ત્રો પહેરવાની ફરજ પડી રહી છે.

અમદાવાદમાં વહેલી સવારે તેમજ રાત્રે રોડ પર લોકોની તેમજ વાહનોની અવરજવર ઓછી જોવા મળે છે. ખાણીપીણીની બજારો તેમજ અન્ય બજારો પણ વહેલી બંધ થઈ જાય છે. બજારમાં કચરિયા અને અન્ય શકિતવર્ધક ચીજોનું વેચાણ વધી રહ્યુ છે. સવારે મોર્નિગવોક પર જતા લોકોની સંખ્યામાં વધારો થઈ રહયો છે. ચાની લારીઓ અને નાસ્તાના સ્ટોલ અને લારીઓ પર તડાકો જોવા મળે છે. ઠંડીના કારણે મોટાભાગના લોકો ઘરમાં જ ભરાઈ રહેવાનું પસંદ કરે છે.

આજે રાજ્યના વિવિધ શહેરોમાં નોંધાયેલું તાપમાન આ મુજબ રહ્યું હતું. જેમાં અમદાવાદમાં ૧૧.૪ ડિગ્રી, વડોદરામાં ૧૧.૬, સુરતમાં ૧૩.૨, વલસાડ ૧૦.૬, અમરેલીમાં ૯.૪, ભાવનગરમાં ૧૧.૮, રાજકોટમાં ૯.૫, ડીસામાં ૮.૩, ગાંધીનગરમાં ૮.૨, સુરેન્દ્રનગરમાં ૧૧.૪, ભુજમાં ૧૦, નલિયામાં ૩.૨, કંડલા પોર્ટમાં ૧૧.૩, કંડલા એરપોર્ટ પર ૬.૩, વેરાવળમાં ૧૫.૯, મહુવામાં ૧૧.૧, દ્વારકામાં ૧૪.૬ અને ઓખામાં ૧૪.૬ તેમજ વલ્લભ વિદ્યાનગરમાં ૧૧.૬ ડિગ્રી તાપમાન રહ્યું હતું.

You might also like