અમદાવાદ: ફાંટાબાજ કુદરતના કારણે દેશના ઉત્તર ભાગમાં અચાનક હવામાન પલટાતાં તેની અસર હેઠળ સમગ્ર ગુજરાતમાં શીતલહેર ફરી વળી છે. આજે ઠંડીના પ્રકોપમાં વધારો થઈને રાજ્યના અમદાવાદ સહિતના છ શહેરમાં ઠંડીનો પારો દશ ડિગ્રીની નીચે ગગડ્યો હતો.
શહેરમાં આજે સવારથી પશ્ચિમથી દક્ષિણ પશ્ચિમ દિશા ધરાવતા શીતલ પવન ફૂંકાયાે હતાે. પ્રતિ કલાક ૧૦થી ૧૫ કિ.મી.ની ઝડપ ધરાવતા ઠંડા પવનોએ અમદાવાદીઓને ધ્રુજાવ્યા હતા. ઠંડીથી બચવા લોકો તાપણાં કરીને હૂંફ મેળવતા નજરે પડ્યા હતા. ઘર-ઓફિસમાં પંખા કે એસી ચાલુ કરવાના દિવસો નજીક આવતા જાય છે તેવી ચર્ચા કરનારા નાગરિકોના ઘર કે ઓફિસમાં ફરીથી હીટર ચાલુ કરી દેવાયાં છે.
આજે તો શહેરમાં ઠંડીનો પારો દશ ડિગ્રીથી નીચે ગગડીને ૯.૪ ડિગ્રીએ જઈને અટક્યો હતો કે જે સામાન્ય તાપમાન કરતાં ચાર ડિગ્રી જેટલી ઓછું હતું. જ્યારે ડિસા ૬.૪ ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન સાથે રાજ્યનું સૌથી કોલ્ડેસ્ટ સિટી બન્યું હતું.
રાજ્યના અન્ય પ્રમુખ શહેરોની ઠંડીની વિગત તપાસતાં વડોદરા ૧૧.૬, સુરત ૧૩.૧, રાજકોટ ૧૦.૦, ભૂજ ૧૧.૪, નલિયા ૭.૪ કંડલા ૯.૦, ગાંધીનગર ૮.૫ અને મહુવામાં ૯.૯ ડિગ્રી સેલ્સિયસ ઠંડી નોંધાઈ હતી. દરમિયાન સ્થાનિક હવામાન વિભાગની કચેરી દ્વારા રાજ્યમાં હજુ ત્રણ દિવસ કાતિલ ઠંડી રહેશે તેવી શક્યતા દર્શાવી છે.