ઉત્તર ભારત ઠંડીમાં ઠૂંઠવાયુંઃ સિમલામાં ગેસની ગૂંગળામણથી પાંચનાં મોત

નવી દિલ્હી: છેલ્લા કેટલાક દિવસથી દેશના વિવિધ વિસ્તારમાં ઠંડીનું જોર વધી રહ્યું છે ત્યારે સમગ્ર ઉત્તર ભારત કાતિલ ઠંડીની લપેટમાં આવી ગયું છે. દિલ્હી અને જમ્મુમાં સિઝનનો ગઈ કાલે સૌથી ઠંડો દિવસ રહ્યો હતો જ્યારે સિમલામાં ઠંડીથી બચવા ગેસની સગડીથી તાપણું કરતા પાંચ શ્રમિકોનાં ગૂંગળાઈ જવાથી મોત નીપજ્યાં હતાં. બીજી તરફ ગાઢ ધુમ્મસથી ૫૫ ટ્રેન મોડી દોડી રહી છે. અને ૧૪ ટ્રેન રદ કરવામાં આવી છે. બીજી તરફ બિહાર, ઝારખંડ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં પણ હાલ કાતિલ ઠંડી પડી રહી છે. સિમલામાં ગ્રામીણ વિસ્તાર શડોગમાં કામ કરતા શ્રમિકો ઠંડીથી બચવા ગેસની સગડીથી તાપણું કરતા હતા ત્યારે ગેસની ગૂંગળામણથી પાંચ શ્રમિકનાં મોત થયાં હતાં.

ગઈ કાલે દિલ્હીમાં આ સિઝનનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. જેના કારણે લોકોને ફરજિયાત તેમના ઘરમાં જ પુરાઈ રહેવાની ફરજ પડી હતી. હવામાન વિભાગની આગાહી છે કે હજુ આવતી કાલે પણ લઘુતમ તાપમાનમાં વધુ બે ડિગ્રીનો ઘટાડો થાય તેવી સંભાવના છે. આ ઉપરાંત ગઈકાલે ઉત્તર પ્રદેશના અનેક જિલ્લામાં ખાસ કરીને પશ્વિમ ઉત્તર પ્રદેશમાં દિવસ ભર ચાલુ રહેલી શીત લહેરથી જનજીવન પર અસર થઈ હતી. જેમાં ત્રણ વ્યકિતનાં મોત થયાં હતા. ગઈ કાલે ઉત્તર ભારતમાં ૧૧ ટ્રેન રદ કરવાની ફરજ પડી હતી. જ્યારે ૨૦ થી વધુ ટ્રેન મોડી ચાલી રહી છે. બીજી તરફ જમ્મુ-કાશ્મીરમાં ગઈકાલે લઘુતમ તાપમાનનો પારો ૩.૭ ડિગ્રી રહ્યું હતું. હિમાચલ પ્રદેશમાં સતત પાંચમા દિવસે પણ વીજળીની સમસ્યા જોવા મળી હતી. બરફ વર્ષા અને વરસાદના કારણે અનેક પર્યટકો ફસાઈ ગયા હતા.

ઉત્તરાખંડમા પણ ઠંડીની અસર જોવા મળી રહી છે. જેમાં મસૂરી સહિત અન્ય પર્વતીય વિસ્તારમાં ફરી બરફ‍ર્ષા થતા ભારે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. રાની મસૂરી ઉપરાંત ગંગોત્રી,યમુનોત્રી,બદરીનાથ અને હેમકુંડ સાહેબમાં હિમપ્રપાત થતાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયુ હતુ. જ્યારે રાંચી સહિત ઝારખંડમાં પણ ઠંડીનું જોર વધી ગયુ છે.રાજસ્થાન અને હરિયાણામાં પણ ભારે ઠંડી પડી રહી છે. આ ઉપરાંત પંજાબથી લઈને બિહાર અને મધ્યપ્રદેશ સુધી કાતિલ ઠંડી પડી રહી છે.

સિમલા બરફની ચાદરથી ઢંકાઈ ગયું
વિશ્વભરમાં કુદરતી સૌંદર્યથી જાણીતા એવા સિમલામાં હાલ કાતિલ ઠંડી પડી રહી છે. અને બરફવર્ષા થતા સિમલા બરફની ચાદરથી ઢંકાઈ ગયું છે. આ વિસ્તારમાં પ્રવાસે આવેલા લોકો બરફ વર્ષાનો આનંદ માણી રહ્યા છે. જોકે સતત ત્રણ દિવસથી આ વિસ્તારમાં થતી બરફ વર્ષાના કારણે પર્યટકોને ભારે હાલાકી અનુભવવી પડી રહી છે પણ તેઓ કુદરતી સૌંદર્યને માણી ભારે ખુશી અનુભવી રહ્યા છે. બીજી તરફ કાશ્મીર ખીણમાં પણ બરફ વર્ષા થઈ રહી છે. અને આ વિસ્તાર પણ બરફની ચાદરમાં લપેટાઈ ગયો છે. જોકે હજુ પણ તાપમાનમાં ઘટાડો થવાની આગાહી છે.
http://sambhaavnews.com/

You might also like