ગુજરાતમાં ઠંડીનો ચમકારો તો માઉન્ટ આબુ બરફથી થીજી ગયું

જમ્મુ-કશ્મીર અને હિમાચલ સહિતના પહાડી વિસ્તારોમાં થઈ રહેલી હિમવર્ષાના કારણે સમગ્ર ઉત્તર ભારતમાં પારો ગગડયો છે. ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં તો ઠંડીએ માઝા મૂકી દીધી છે. તો ઉત્તર ભારતમાં થઈ રહેલ હિમવર્ષાના કારણે રાજસ્થાન અને ગુજરાત જેવા મેદાની પ્રદેશોમાં પણ શીત લહેર વધી છે.

ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો વધી રહ્યો છે અને ઠંડા પવનો વાઈ રહ્યા છે. રાજ્યભરમાં તાપમાનનો પારો ગગડતા લોકો ઠંડીથી ઠૂઠવાઈ રહ્યા છે અને તાપણા કે ગરમ કપડાંનો આશરો લઈ રહ્યા છે. જો કે ઠંડીના કારણે લોકો બીમાર પણ પડી રહ્યા છે.

રાજ્યના અનેક શહેરોમાં તાપમાન 10 ડિગ્રીથી પણ નીચે પહોંચી જતા લોકો શિમલા જેવી ઠંડી અનુભવી રહ્યા છે. કચ્છના નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બની ગયું છે. નલિયામાં 4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો સાબરકાઠા અને બનાસકાંઠા બાજુના શહેરોમાં પણ ઠંડી વધી રહી છે. બનાસકાંઠામા તો સીધા રણમાંથી ઠંડા પવનો આવતા હોવાથી ત્યાંના ગામડાઓમાં પણ ઠંડીથી લોકો ધ્રૂજી રહ્યા છે.

રાજસ્થાનના પર્યટન સ્થળ માઉન્ટઆબુમાં તાપમાનનો પારો માઈનસ 0.1 ડિગ્રી નોંધાયો છે. જેને પગલે માઉન્ટ આબુમાં કેટલાક સ્થળોએ બરફના થર જામી ગયા હતા. આબુના નકી લેકમા પણ પાણીની જગ્યાએ બરફ જોવા મળી રહ્યો છે.

ગુજરાતના શહેરોનું તાપમાન ડિગ્રીમાં
નલિયા –  4 ડિગ્રી
ડીસા –  10 ડિગ્રી

ભુજ –  10 ડિગ્રી
અમરેલી –  10 ડિગ્રી

જૂનાગઢ – 10 ડિગ્રી
ઈડર – 10 ડિગ્રી

ગાંધીનગર – 11 ડિગ્રી
અમદાવાદ – 11 ડિગ્રી
રાજકોટ –  12 ડિગ્રી

You might also like