ઉત્તરાયણ સુધી ઠંડીનો સપાટો રહેશે

અમદાવાદ: શિયાળાની કડકડતી ઠંડીનો માહોલ જામ્યો છે. સમગ્ર દિવસ દરમ્યાન ઠંડીનો સપાટો જોવા મળે છે. કાશ્મીર-સિમલા સહિતના ઉત્તર ભારતમાં બરફવર્ષા થતી હોઇ આગામી ઉત્તરાયણ સુધી ટાઢનું સામ્રાજ્ય યથાવત્ રહેવાનું છે.

સામાન્ય રીતે મકરસંક્રાં‌તિના પાવન પર્વના દિવસે પતંગ રસિયાઓને ઠંડી સહેવી પડે છે. ધાબા પર પતંગ ચગાવવા ગોઠવાઇ ગયેલા આબાલવૃદ્ધો બેઠો ઠાર તેમજ શીતાગાર પવનોને ટક્કર આપવા તલ-સિંગની ચીકી તેમજ ગરમાગરમ ઊંધિયાનો આસ્વાદ માણે છે. આ વખતે પણ શિયાળાના ઠંડા દિવસનો અનુભવ પતંગ રસિયાઓને ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણે થવાનો છે, જોકે શનિ-રવિની રજાઓનો સુમેળ સધાતો હોઇ લોકો વાસી ઉત્તરાયણને પણ ધમાકેદાર ઊજવશે.

દરમ્યાન આજે અમદાવાદમાં ૧૦.૩ ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયુ હતું કે જે સામાન્ય તાપમાન કરતાં બે ડિગ્રી જેટલું ઓછું હતું, ઠંડા  પવનોથી બચવા નાગરિકોને ગરમ વસ્ત્રો પહેરવાની ફરજ પડી રહી છે. જોકે આજે નલિયામાં પ.૪ ડિગ્રી ઠંડી નોંધાતાં નલિયાવાસીઓ ઠંડીથી રીતસરના ધ્રુજી ઊઠ્યા હતા.

રાજ્યના અન્ય પ્રમુખ શહેરોનું લઘુતમા તાપમાન તપાસતાં ડીસામાં ૬.૮, વડોદરા ૧૦.૦, સુરત ૧ર.૮, રાજકોટ ૮.૩, ભાવનગર ૧૧.૪, પોરબંદર ૮.૦, વેરાવળ ૧ર.૯, દ્વારકા ૧૪.૧, ઓખા ૧૭.પ, ભૂજ ૧૦.ર, સુરેન્દ્રનગર ૧૦.૩, કંડલા ૭.૭, અમરેલી ૧૧.૬, ગાંધીનગર ૮.૮, મહુવા ૧૦.૩, દીવ ૧૧.૭, વલસાડ ૯.પ, વલ્લભવિદ્યાનગર ૧૩.૪ અને કચ્છ-માંડવીમાં ૮.પ ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું.
http://sambhaavnews.com/

You might also like