રાજ્યમાં ઠંડીનો ધ્રુજારોઃ ગાંધીનગર ૧૦ ડિગ્રી

અમદાવાદ: રાજ્યમાં છેલ્લાં બે દિવસથી લઘુતમ તાપમાનનો પારો નીચે જતાં ઠંડીનું પ્રમાણ વધવા પામ્યું છે. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન ગાંધીનગરમાં ૧૦ ડિગ્રી નોંધાયું હતુ. જ્યારે નલિયામાં ૧૦.૪ અને અમદાવાદમાં ૧૧.૬ ડિગ્રી તાપમાન રહ્યું હતુ. આગાહી છે કે આગામી દિવસોમાં લઘુતમ તાપમાન હજુ પણ વધુ નીચે જવાની તેમજ રાજ્યના અમુક વિસ્તારોમાં છુટાછવાયાં ઝાપટા પડે તેવી સંભાવના છે.

ડિસેમ્બર મહિનાના આરંભ સાથે જ ઠંડીનું પ્રમાણ વધવા પામ્યું છે. થોડા દિવસોમાં લઘુતમ તાપમાનમાં વધુ ઘટાડો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ખાસ કરીને ૧૫ ડિસેમ્બર બાદ શિયાળાની જમાવટ થાય તેવી સંભાવના છે. અમદાવાદ શહેરમાં બે દિવસથી ઠંડીનું જોર વધવા પામ્યું છે. ગઈકાલની સરખામણીએ આજે મોડી સાંજથી જ ઠંડો પવન ફુંકાતા ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. મોડી રાતે અને વહેલી સવારે ઠંડીનું જોર વધુ રહે છે. જેના કારણે લોકોને હવે ફરજિયાત ગરમ વસ્ત્રોમાં બહાર નીકળવાની ફરજ પડી રહી છે.

અમદાવાદ શહેરમાં ઠંડીથી વાહનોની અવરજવરમાં અને બજારની ચહલપહલ પર ખાસ અસર જોવા મળે છે. રાતના દસ વાગતા જ રોડ પર વાહનોની સંખ્યા ઓછી થઈ જાય છે. તેમજ મોડી રાત સુધી ખુલ્લા રહેતા બજારો અને ખાણીપીણીના સ્ટોલ કે લારીઓ વહેલી બંધ થઈ જાય છે. આ ઉપરાંત રાતે ટહેલવા નીકળતા લોકોની સંખ્યામાં પણ ઘટાડો થઈ ગયો છે. રાત્રે કેટલાંક યુવાનો અને વડીલો સોસાયટી કે મહોલ્લા અને પોળના નાકે તાપણા કરીને બેઠેલા જોવા મળે છે. જ્યારે મોર્નિગવોક પર જનારા લોકોમાં ધીમેધીમે વધારો થઈ રહયો છે. ઠંડીના કારણે ચાની લારીઓ પર લોકોની ભીડ વધુ જોવા મળે છે. લોકોની દૈનિકચર્યામાં પણ ફેરફાર થઈ ગયો છે.

મંદિરોમાં આરતીના સમય ફણ બદલાઈ ગયા છે. રાજ્યના અન્ય શહેરોમાં નોંધાયેલું લઘુતમ તાપમાન આ મુજબ રહ્યુ છે. જેમાં અમદાવાદમાં ૧૧.૬ ડિગ્રી, ગાંધીનગરમાં ૧૦, વડોદરામાં ૧૫.૨, સુરતમાં ૧૭, ભાવનગરમાં ૧૫.૨, અમરેલીમાં ૧૦.૬, નલિયામાં ૧૦.૪, કંડલા બંદર પર ૧૪.૬, કંડલા એરપોર્ટ પર ૧૨.૭, વલસાડમાં ૧૩.૧, રાજકોટમાં ૧૩.૫, સુરેન્દ્રનગરમાં ૧૪.૮, દ્વારકામાં ૧૮.૧, ઓખામાં ૧૮.૪, ભુજમાં ૧૫, વેરાવળમાં ૧૮.૫ અને પોરબંદરમાં ૧૫.૫ ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. આગાહી છે કે આગામી પાંચ દિવસ ગુજરાત સ્ટેટ, દિવ,દમણ અને દાદરાનગર હવેલીમાં હવામાન મુખ્યત્વે સૂકુ રહેશે.

You might also like