ઉ.ભારત ઠંડીમાં ઠૂંઠવાયુંઃ 54ના મોત, 12 ટ્રેન-2 ફ્લાઈટ રદ્દ, લદ્દાખ માઈનસ ડિગ્રીમાં પહોંચ્યું

સમગ્ર ઉત્તર ભારત ગાત્રો થીજાવનારી કાતિલ ઠંડીની પકડમાં છે. ઠંડીના કારણે એકલા ઉત્તર પ્રદેશમાં ૫૪ લોકોનાં મોત થયાં છે. આ મોત મંગળવારે મોડી રાતે અને બુધવારે થયાં હતાં. હરિયાણામાં પણ ઠંડીના કારણે એક વ્યક્તિનું મોત થયું છે. હિમાળા પવનો અને ગાઢ ધુમ્મસના કારણે લોકોની પરેશાની વધી ગઈ છે.

ગાઢ ધુમ્મસથી રેલવે અને વિમાની સેવાઓ ખરાબ રીતે પ્રભાવિત થઈ છે. ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ૨૦ ફ્લાઈટ મોડી પડી છે, જ્યારે ૪૯ ટ્રેન પણ મોડી દોડી રહી છે. ૧૩ ટ્રેનનો સમય બદલવામાં આવ્યો છે અને ૧૨ ટ્રેન રદ કરવામાં આવી છે. દિલ્હીમાં એરપોર્ટ પર ૨૪ ડોમેસ્ટિક ફ્લાઈટ અને ૧૨ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ પણ મોડી પડી છે. બે ડોમેસ્ટિક ફ્લાઈટ રદ કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ૭ જાન્યુઆરી સુધી ધુમ્મસ અને કાતિલ ઠંડીમાંથી રાહત મળવાની કોઈ આશા નથી. આગામી બે-ત્રણ દિવસ સુધી પંજાબ-હરિયાણા, ચંડીગઢ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં હજુ ઠંડી વધશે. હિમાચલના કેલંગમાં મહત્તમ તાપમાન માઈનસ બે અને લઘુતમ તાપમાન માઈનસ ૧૦.૬ ડિગ્રી નોંધાયું હતું. લદાખના કારગિલમાં માઈનસ ૨૦.૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

ઉત્તર પ્રદેશમાં કાતિલ ઠંડી કાળ બનીને આવી છે. કનોજમાં ત્રણ, બાંદામાં એક, ઉરઈમાં ત્રણ, હમીરપુર અને મોહબામાં ઠંડીથી ત્રણ-ત્રણ લોકોનાં મોત થયાં છે. બારાબંકીમાં કાતિલ ઠંડીથી બેનાં મોત થયાં છે, જ્યારે બલિયામાં બે, જ્હોનપુરમાં બે, આઝમગઢમાં એક, વારાણસીમાં ત્રણનાં મોત થયાં હતાં. કાનપુરમાં પણ ઠંડીના કારણે એક વ્યક્તિનું મોત થયું હતું.

ઉત્તર પ્રદેશમાં સૌથી કાતિલ ઠંડી સોનભદ્રમાં પડી છે. જ્યાં લઘુતમ તાપમાન ૫.૪ ડિગ્રી નોંધાયું છે. ઠંડીના કારણે અલ્હાબાદ, પ્રતાપગઢ અને કૌસાંબી જિલ્લામાં પણ નવ લોકોનાં મોત થયાં છે. લાલગંજમાં કાતિલ ઠંડીથી એક ૭૦ વર્ષનાં વયોવૃદ્ધનું મોત થયું છે. કૌસાંબીમાં હોમગાર્ડ અને યુવતી સહિત છનાં મોત થયાં છે. બદાયુમાં ઠંડીના કારણે બે બાળકોનાં મૃત્યુ થયા છે. રામપુરમાં અને અલ્હાબાદમાં ઠંડીથી એક-એકનાં મોત થયાં છે.

આ ઉપરાંત અન્ય વિસ્તારમાં ૧૦નાં મોત થયાં છે. જમ્મુ-કાશ્મીર અને ઉત્તરાખંડમાં પણ તાપમાન ગલનબિંદુથી નીચે ગયું છે. ઉત્તર અને પૂર્વ ભારતમાં રાજસ્થાનથી લઈને ઓડિશા સુધી ગાઢ ધુમ્મસનો કહેર જારી છે. રાજસ્થાનના માઉન્ટ આબુમાં લઘુતમ માઈનસ ૧.૪ ડિગ્રી નોંધાયું છે.

You might also like