પૂર્વ દિશાના ઠંડાગાર પવન સાથે અમદાવાદમાં ઠંડી પડતાં નાગરિકો ધ્રુજી ઊઠ્યા

અમદાવાદ: રાજ્યનું આર્થિક પાટનગર અમદાવાદ ઠંડીના નવા રાઉન્ડમાં ફરીથી ઠૂંઠવાયું છે. આજે સવારે પૂર્વથી ઉત્તર-પૂર્વ દિશાના ઠંડાગાર પવન સાથે બેઠી ઠંડી પડતાં નાગરિકો ધ્રુજી ઊઠ્યા હતા. ચાલુ શિયાળાની સિઝનમાં આજે ઠંડીનો પારો ૧૦ ડિગ્રીથી નીચે ગગડીને ૯.૮ ડિગ્રીએ પહોંચ્યો હતો.

છેલ્લા બે-ત્રણ દિવસથી અમદાવાદ સહિત રાજ્યના તાપમાનમાં નાટ્યાત્મક રીતે પરિવર્તન આવ્યું છે. જે રીતે બપોરે પંખા અને એસી ચાલુ થયા હતા તેની જગ્યાએ ફરીથી ઠંડી જામતાં લોકોને ગરમ વસ્ત્રો પહેરવાની ફરજ પડી રહી છે. આજે શહેરનું લઘુતમ તાપમાન ૯.૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં બે ડિગ્રી ઓછું હતું.

રાજ્યનાં અન્ય પ્રમુખ શહેરની ઠંડી તપાસતાં ગાંધીનગરમાં ૮.ર, ડીસામાં ૯.૭, વડોદરામાં ૧૦.૬, સુરતમાં ૧૪.૪, રાજકોટમાં ૧ર.પ, ભાવનગરમાં ૧ર.૪, ભૂજમાં ૧૩.૮, સુરેન્દ્રનગરમાં ૧ર.૮, કંડલામાં ૧૦.પ, ઇડરમાં ૧૩.ર, અમરેલીમાં ૧૩.૦, દીવમાં ૧૧, વલસાડમાં ૯.૧ અને ન‌િલયામાં સૌથી ઓછું ૭.૪ ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું. દરમ્યાન સ્થાનિક હવામાન વિભાગની કચેરીએ અમદાવાદ સહિત રાજ્યભરમાં આગામી પાંચ દિવસ ઠંડીની તીવ્રતા જળવાઇ રહેશે તેવી આગાહી કરી છે.

You might also like