કોગ્નિઝેબલ ગુનામાં તરત જ એફઅાઈઅાર નોંધવી પડશે

અમદાવાદ: કોગ્નિઝેબલ ઓફેન્સના(ગુના)ની એફઆઇઆર તાત્કાલિક નોંધવા અંગેના રાજયના ગૃહ વિભાગના પરિપત્રને પગલે રાજયના પોલીસ તંત્ર સહિત રાજકીય વર્તુળમાં જબરદસ્ત ખળભળાટ મચી ગયો છે. વાસ્તવમાં રાજયના ગૃહ વિભાગે સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે કોગ્નિઝેબલ ઓફેન્સના કિસ્સામાં વિના વિલંબે પોલીસને એફઆઇઆર નોંધવા અંગે જારી કરેલા સીમાચિહ્નરૂપ આદેશના પાલનના હેતુસર આ પરિપત્ર જારી કર્યો છે. એક રીતે કહીએ તો, ખુદ રાજય સરકાર અને ગૃહ વિભાગ નૈતિક સ્વીકાર કરે છે કે, 2014માં સુપ્રીમ કોર્ટ દ્વારા જારી થયેલા આ ચુકાદાનું આજ દિન સુધી પોલીસ તંત્ર દ્વારા પાલન થતું નથી અને તેના કારણે જ આખરે ગૃહ વિભાગને પરિપત્ર જારી કરી નિર્દેશો જારી કરવા પડયા છે, જે ઘણી જ ગંભીર બાબત કહી શકાય.

કોગ્નિઝેબલ ઓફેન્સના બેક ગ્રાઉન્ડમાં જોઇએ તો, એવો ગંભીર ગુનો કે જેમાં પોલીસ કોર્ટના વોરંટ વિના ધરપકડ કરી શકે તેવી સત્તા અંતર્ગત આવતો પોલીસ અધિકારનો ગુનો કોગ્નિઝેબલ ઓફેન્સમાં પોલીસે સીઆરપીસીની કલમ 154 હેઠળ એફઆઇઆર નોંધવાની જોગવાઇ છે. સામાન્ય નાગરિકો દ્વારા પોલીસ મથકોમાં જઇ ફરિયાદ નોંધાવવાનો પ્રયાસ કરાય ત્યારે પોલીસ પહેલાં તો ફરિયાદ નોંધતી જ નથી અને નાગરિકોને ધક્કા ખવડાવતી હોય છે, તેથી દેશ ભરમાં આવું વાતાવરણ બનતાં સુપ્રીમ કોર્ટે આખરે લલિતાકુમારી વિરુદ્ધ સ્ટેટ ઓફ ઉત્તર પ્રદેશના કેસમાં સીમાચિહ્નરૂપ અને માર્ગદર્શિકા સાથેનો ચુકાદો તા.12-12-2013ના રોજ જારી કર્યો હતો. જેમાં રાજય સરકાર અને પોલીસ તંત્રને ઉદ્દેશીને મહત્વના આદેશો જારી કરવામાં આવ્યા હતા.

અા મુદ્દે ઝોન-૨ના DCP ઉષા રાડાઅે જણાવ્યું કે ઇકોનોમીક્સ અોફેન્સ તથા પારિવારિક તકરારો, ભ્રષ્ટાચાર સંબંધિત ગુના નોંધી ઝડપી તપાસ કરવા અાદેશ અાપ્યો છે.

સુપ્રીમ કોર્ટના કયા મહત્વના આદેશો હતા કે જેને પરિપત્રમાં આવરી લેવાયા છે
(1) કોઇ પણ વ્યકિત જયારે પોલીસને કોગ્નિઝેબલ ઓફેન્સની માહિતી આપે તો દરેક પોલીસ મથકમાં વિના વિલંબે ત્વરિત રીતે તેની એફઆઇઆર નોંધવાની રહેશે
(2) કૌટુંબિક તકરાર કે લગ્ન વિષયકની તકરાર, તબીબી સેવામાં ખામી કે,વેપાર વાણિજય વિષય સહિતની બાબતોમાં જે ઘટના બન્યાના લાંબા સમય બાદ એફઆઇઆરની નોંધણી ફરિયાદી તરફથી કરાવવામાં આવે ત્યારે પોલીસે પહેલાં પ્રાથમિક તપાસ કરવી કે આ કેસમાં કોગ્નિઝેબલ ઓફેન્સ બને છે કે નહીં. પોલીસે તેની પ્રાથમિક તપાસ એક સપ્તાહમાં પૂર્ણ કરવાની રહેશે
(3) જો કોગ્નિઝેબલ ઓફેન્સ ના બનતો હોય તો પણ પોલીસે તેનાં કારણો સાથે ફરિયાદીને જાણ કરવાની રહેશે કે કયાં કારણથી પ્રસ્તુત કેસમાં કોગ્નિઝેબલ ઓફેન્સ બનતો નથી.
(4) જો કોગ્નિઝેબલ ઓફેન્સના ગુનામાં તાત્કાલિક એફઆઇઆર દાખલ ના કરાય તો કસૂરવાર પોલીસ અધિકારી વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી થઇ શકશે.

You might also like