કોબાની શામિયાણા રેસ્ટોરન્ટમાં દરોડા દારૂની બોટલો અને હુક્કાબાર ઝડપાયો

અમદાવાદ: અમદાવાદ- ગાંધીનગર હાઇવે પર કોબા સર્કલ પાસે આવેલા શામિયાણા રેસ્ટોરેન્ટમાં ગઈ કાલે રાતે ગાંધીનગર એસઓજીએ દરોડા પાડી ચાર યુવતી સહિત ૨૭ લોકોને હુક્કા પીતા ઝડપી પાડ્યા હતા. પોલીસે રેટોરેન્ટમાંથી અલગ અલગ ફ્લેવરના ૧૧ હુક્કા કબજે કર્યા હતા. પોલીસને રેસ્ટોરન્ટમાંથી દારૂની બોટલો પણ મળી આવી હતી. પોલીસે હોટલના સંચાલક સહિતના લોકોની અટકાયત કરી છે.

આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ- ગાંધીનગર હાઇવે પર કોબા સર્કલ પાસે શામિયાણા રેસ્ટોરેન્ટ આવેલી છે. ગઈ કાલે રાતે ગાંધીનગર એસઓજીના પીઆઇ પરેશ સોલંકી અને ટીમને બાતમી મળી હતી કે શામિયાણા રેસ્ટોરન્ટમાં હુક્કાબાર ચાલી રહ્યું છે. જેના આધારે એસઓજીની ટીમે રેસ્ટોરન્ટમાં દરોડો પાડ્યો હતી.

દરોડા દરમ્યાન ચાર યુવતી સહિત અને અન્ય યુવકો મળી ૨૭ લોકોને હુક્કા પીતા ઝડપી પાડ્યા હતા. પોલીસને હુક્કાની સાથે સાથે દારૂની પાંચ બોટલો મળી આવી હતી. હુક્કાબાર પર રેડ થતાં યુવક યુવતીઓ મોઢાં છુપાવવાં લાગ્યાં હતાં. પોલીસે રેટોરેન્ટમાંથી અલગ અલગ ફ્લેવરના ૧૧ હુક્કા કબ્જે કર્યા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા એક મહિનાથી આ હુક્કાબાર રેસ્ટોરન્ટમાં ચાલતું હતું. મોટાભાગે અમદાવાદ-ગાંધીનગરના યુવક યુવતીઓ આ રેસ્ટોરન્ટમાં હુક્કો પીવા માટે આવતા હતા. પોલીસે રેસ્ટોરેન્ટના માલિક સહિતના લોકોની અટકાયત કરી તેમની પૂછપરછ શરૂ કરી છે.

You might also like