કોલસા કૌભાંડમાં જેઆઇપીએલ અને તેના બે ડિરેકટર્સ અપરાધી જાહેર

નવી દિલ્હી: સ્પેશિયલ કોર્ટે આજે કોલ બ્લોકની ફાળવણીમાં ગેરરીતિઓને લગતા કેસમાં ઝારખંડ ઇસ્પાત પ્રા. લિ. (જેઆઇપીએલ) અને તેના બે ડાયરેકટર્સ – આર.એસ. રુંગટા અને આર.સી. રુંગટાને અપરાધી ઠરાવ્યા છે. કોલસા બ્લોક ફાળવણીમાં સ્પેશિયલ કોર્ટ દ્વારા આપવામાં આવેલ આ પ્રથમ ચુકાદો છે.
કોલસા કૌભાંડને લગતા તમામ કેસો ચલાવવા માટે રચાયેલ સ્પેશિયલ કોર્ટે આજે તેનો આ પ્રથમ ચુકાદો આપ્યો છે. સ્પેશિયલ સીબીઆઇ જજ ભરત પરાશરે છેતરપિંડી અને ગુનાઇત કાવતરાના અપરાધ બદલ રુંગટા બંધુઓ અને કંપનીને દોષિત ઠરાવેલ છે કે જેમણે ગેરકાયદે રીતે કોલસાના બ્લોક સંપાદિત કર્યા હતા.
અદાલતે કોલસા કૌભાંડ કેસમાં આ ત્રણેયને તકસીરવાર ઠરાવવા છતાં ઉચાપત જેવા કેટલાક આરોપોમાંથી તેમને દોષ મુક્ત જાહેર કર્યા છે. હાલ જામીન પર રહેલા રુંગટા બંધુઓને અદાલતે અપરાધી જાહેર કરતાં તેમની ફરીથી અટકાયત કરવામાં આવી છે. અદાલત હવે આ અપરાધીઓને ૩૧મી, માર્ચના રોજ સજા સંભળાવશે.
સીબીઆઇએ એવો આરોપ મૂક્યો હતો કે જેઆઇપીએલ અને ત્રણ અન્ય કંપનીઓને સંયુક્ત રીતે ધાદુ કોલસા બ્લોક ફાળવવામાં આવ્યા હતા. સીબીઆઇના આરોપસર અદાલતે ગુનાઇત કાવતરું અને છેતરપિંડીના આક્ષેપ બદલ ખટલાની કાર્યવાહી હાથ ધરી હતી. અદાલતે ત્રણેય સામે આઇપીસીની કલમ ૧ર૦-બી, ૪ર૦, ૪૬૭, ૪૬૮ અને ૪૭૧ હેઠળ ચાર્જશીટ દાખલ કરી હતી.
તેમના પર ખોટા અને નકલી દસ્તાવેજોના આધારે કોલસા બ્લોક પ્રાપ્ત કરવાનો કેસ ચલાવવામાં આવ્યો હતો. સીબીઆઇનો આક્ષેપ છે કે જેઆઇપીએલ અને અન્ય ત્રણ કંપનીઓ- મે. ઇલેક્ટ્રો સ્ટીલ કાસ્ટિંગ લિ., મે. આધુનિક એલોયઝ એન્ડ પાવર લિ. અને મે. પવનજય સ્ટીલ એન્ડ પાવર લિ. સંયુક્ત રીતે કોલસાના બ્લોક ગેરકાયદેસર પદ્ધતિથી પ્રાપ્ત કર્યા હતા.

You might also like