રૂ. ૨૯,૦૦૦ કરોડનાં કોલસા કૌભાંડમાં અદાણીની છ કંપનીના ‘કાળા હાથ’

નવી દિલ્હીઃ દેશની અગ્રણી કોલસાની કંપનીઓ કઈ રીતે ઓવર ઈનવોઈસિંગ કૌભાંડમાં સંડોવાયેલ છે તેનો પર્દાફાશ કરતો એક ચોંકાવનારો અહેવાલ તાજેતરમાં ધી ઈકોનોમિક એન્ડ પોલિિટકલ વીકલી (ઈપીડબ્લ્યુ)માં પ્રસિદ્ધ થયો છે. આ અહેવાલ અનુસાર કોલસા કંપનીઓનું રૂ. ૨૯,૦૦૦ કરોડનું એક જંગી કૌભાંડ છે, જેની ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ દ્વારા તપાસ થઈ રહી છે. છેલ્લા દોઢેક વર્ષથી આ જંગી કૌભાંડની તપાસ ચાલી રહી છે. આ કૌભાંડની તપાસના દાયરામાં જે અગ્રણી અને મોટી કંપનીઓનાં નામોનો પર્દાફાશ થયો છે. તેમાં અદાણી જૂથની કેટલીક કંપનીઓ સહિત નીચેની મુખ્ય કંપનીઓનો સમાવેશ થાય છે.

અદાણીના ભાઈએ બહામામાં કંપની સ્થાપ્યા બાદ નામ બદલીને ‘શાહ’ રાખવા અરજી કરી હતી

૧. અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડ
૨. અદાણી પાવર લિમિટેડ
૩. અદાણી પાવર રાજસ્થાન લિમિટેડ
૪. અદાણી પાવર મહારાષ્ટ્ર લિમિટેડ
૫. અદાણી વિલમર લિમિટેડ એન્ડ વ્યોમ ટ્રેડ લિંક
૬. રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ એન્ડ રોસા પાવર સપ્લાય કંપની લિમિટેડ (અનિલ અંબાણીનાં વડપણ હેઠળનાં એડીએજી ગ્રૂપની કંપની)
૭. રુઈયા પરિવાર દ્વારા પ્રમોટ એસ્સાર ગ્રૂપની બે કંપની – એસ્સાર ઓઈલ લિમિટેડ અને એસ્સાર પાવર ગુજરાત લિમિટેડ
૮. સજ્જન જિંદાલની જેએસડબ્લ્યુ સ્ટીલ લિમિટેડ

અદાણીના મેગા ખાણ પ્રોજેક્ટને જમીન માલિકો કોર્ટમાં પડકારશે

ડીઆરઆઈ દ્વારા માત્ર ખાનગી કંપનીઓ જ નહીં, પરંતુ સરકારની માલિકીઓની કંપનીઓની પણ તપાસ કરવામાં આવી રહી છે. દેશની સૌથી મોટી વીજ ઉત્પાદક કંપની એનટીપીસી લિમિટેડ પણ તપાસના દાયરા હેઠળ છે.  ઈપીડબ્લ્યુના અહેવાલના જણાવ્યા મુજબ વીજ ઉત્પાદક કંપનીઓ વિરુદ્ધ ડીઆરઆઈનો આક્ષેપ એ છે કે આ કંપનીઓ આયાતી કોલસાની કિંમત વધુ ઊંચી બતાવીને તેના આધારે વીજળીના દરમાં વધુ વળતરનો લાભ ઉઠાવતી હતી.

આયતી કોલસાની કિંમત વધારીને રૂ. ૨૮૦ કરોડ જેટલી દર્શાવવા માટે જવાબદાર દુબઈની એક કંપની શરૂ કરનાર હોંગકોંગ સ્થિત ભારતીય નાગરિક મનોજકુમાર ગર્ગની ૨૭ ફેબ્રુઆરી ૨૦૧૬ના રોજ ડીઆરઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ કૌભાંડમાં આ પ્રથમ ધરપકડ કરાઈ હતી.

મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ ડીઆરઆઈ દ્વારા દાખલ કરાયેલી તેની રિમાન્ડ અરજીમાં જણાવ્યા અનુસાર આ કંપનીઓ કોલસાના ભાવો વધુ ઊંચા બતાવવા માટે ઈન્ડોનેશિયા અને ઈન્ડિયા વચ્ચે ઈનવોઈસિંગના અનેક લેયર્સ દર્શાવતી હતી. આ નાણાં અન્ય દેશોમાં ટ્રાન્સફર કરી દેવામાં આવતાં હતાં અને કોલસાના ઊંચા દર્શાવેલા ભાવનો આર્થિક બોજ ગ્રાહક પર આવતો હતો.

કંપનીઓ કઈ રીતે ઓવર ઈનવોઈસિંગ કરતી હતી ?
ભારતીય કંપનીઓ મધ્યસ્થી એજન્સીઓ દ્વારા કોલસાની આયાત કરતી હતી. મધ્યસ્થી એજન્સીઓ કોલસા માટે જે વાસ્તવિક કિંમત ચૂકવવામાં આવી હોય તેનાં કરતાં ભારતીય કંપનીઓ દ્વારા વધુ ઊંચા દરે કોલસાે ખરીદવામાં આવ્યાે છે એવા ઈનવોઈસ તૈયાર કરતી હતી. મધ્યસ્થી એજન્સીઓ દલાલી લઈને વધુ કિંમતનાં ઈનવોઈસ તૈયાર કરી આપતી હતી. આયાત કરવામાં આવેલ કોલસો ઈન્ડોનેશિયાથી સીધો જહાજ દ્વારા ભારત મોકલવામાં આવતો હતો, પરંતુ ઈનવોઈસ જુદા જુદા દેશોમાં આવેલા એક કે વધુ ઈનવોઈસિંગ એજન્ટ દ્વારા મોકલવામાં આવતાં હતાં.

You might also like