ભુવીને કોચ કુંબલેએ ફાઇન સમિતિનો ચેરમેન બનાવી દીધો

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના કોચ અનિલ કુંબલેએ ટીમ ઇન્ડિયાના ઝડપી બોલર ભુવનેશ્વરકુમારને ત્રણ સભ્યોની સમિતિનો ચેરમેન બનાવ્યો છે. આ સમિતિનું કામ હશે, ભારતીય ક્રિકેટ ટીમના અનિયંત્રિત ખેલાડીઓનું ધ્યાન રાખવું અને તેમને દંડ ફટકારવો.

અનિલ કુંબલેએ આ સમિતિની પસંદગી કરી છે, જેમાં ચેતેશ્વર પૂજારા, શિખર ધવન અને ભુવનેશ્વરકુમારનો સમાવેશ થાય છે. તેઓનો મુખ્ય હેતુ એ છે કે ભારતીય ક્રિકેટર સમયપાલનમાં ચુસ્ત બને. કુંબલેએ આવા ખેલાડીઓ પર ત્રણ હજાર રૂપિયાનો દંડ રાખ્યો છે. કોઈ પણ ખેલાડી બસમાં મોડો આવશે તેને દંડ ફટકારાશે.

દંડના રૂપે મળેલા રૂપિયા ચેરિટીને આપવામાં આવશે, જોકે અત્યાર સુધી કોઈ ખેલાડી દંડાયો નથી. આ અંગે ફાઇન સમિતિના ચેરમેન ભુવનેશ્વરકુમારે જણાવ્યું કે, ”દંડ વસૂલવાની જવાબદારી ચેતેશ્વર પૂજારાની રહેશે અને શિખર ધવન ખેલાડીઓની વાત સાંભળશે અને જો તેને એવું લાગશે કે દંડ ખોટો છે તો ખેલાડી પાસેથી લીધેલા રૂપિયા પાછા આપી શકે છે.” અનિલ કુંબલેએ કહ્યું હતું કે, ”સમયનું પાલન નહીં કરનાર ખેલાડી પાસેથી દંડ વસૂલવામાં આવશે.”

You might also like