સહકારી બેન્કોમાં ડિપોઝીટ, જૂની નોટો બદલવાનું કાલથી શરૂ થવાની શક્યતા

અમદાવાદ: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા રાજ્યની જિલ્લા સહકારી બેન્કોની જૂની ચલણી નોટો સ્વીકારવા અને ડિપોઝિટ કરવાની સત્તા રદ કરાયા બાદ તેને પુનઃ મંજૂરી આપી દેવામાં આવશે. આ અંગે આરબીઆઇના સ્પષ્ટ પરિપત્રની રાહ જોવાઇ રહી છે. જોકે આરબીઆઇએ ગઇ કાલે આ બેન્કોએ નોટોના મુદ્દે ચોક્કસ નીતિ-નિયમોનું પાલન કરવું પડશે તેમ જણાવ્યું હતું. આજે પરિપત્ર મળતાં જ આવતી કાલથી બેન્કોની કામગીરી પુનઃ શરૂ થઇ જશે.

નેશનલ ફેડરેશન ઓફ સ્ટેટ કો.બેન્ક લિ.(નાફસ્કોલ)ના ચેરમેન દિલીપભાઇ સંઘાણીએ જણાવ્યું હતું કે ગઇ કાલે મારી કેન્દ્રીય રાજ્ય નાણાં પ્રધાન સંતોષ ગંગવાર સાથે મુલાકાત થઇ હતી. સામાન્ય લોકો હેરાન ન થાય તેના હિતમાં જરૂરી સૂચના જે તે વિભાગને આપી દેવાઇ છે. બેન્કો પર પ્રતિબંધ હટાવવાની ખાતરી અપાઇ છે. પરંતુ બેન્કો આરબીઆઇના પરિપત્રની રાહ જોઇ રહી છે. જેથી તેમાં જણાવવામાં આવેલી વિગત મુજબ અમલ થશે, પરંતુ મોડામાં મોડું આવતી કાલ સુધીમાં સહકારી મંજૂરી મળતા ડિપોઝીટ જમા લઈ
શકાશે તેમ જ બેંકો નિયત મર્યાદામાં જૂની નોટો પણ બદલી અાપશે

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યની ૧૮ ડિસ્ટ્રિકટ કો.ઓપરેટિવ બેન્કોની અંદાજે રર૦૦ બ્રાન્ચમાં વ્યકિત દીઠ રૂ.૪પ૦૦ની પ૦૦ અને ૧,૦૦૦ની નોટ બદલી આપવાની કે ડિપોઝિટ કરવાની સત્તા આરબીઆઇએ છીનવી લીધી હતી. ૧૩ નવેમ્બરે રિઝર્વ બેન્કે ઇ મેઇલ દ્વારા આ તમામ બેન્કોને રૂ.૪પ૦૦ બદલી આપવાની કામગીરીથી દૂર કરી હતી. રિઝર્વ બેન્કની સૂચનાના પગલે ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો અને સાંસદો દોડતા થયા હતા. કારણ કે મોટા ભાગના ધારાસભ્યો અને સાંસદો જિલ્લા સહકારી બેન્કના ચેરમેન છે. ગુજરાતના ગામડાંઓમાં પ૦ ટકાથી વધુ બ્રાન્ચ સહકારી બેન્કોની છે. આ બેન્કો પાસે લાઇસન્સ પણ છે, પરંતુ રાજકારણીઓ અને વગદારોની સાઠગાંઠથી જૂની નોટો વ્યાપક પ્રમાણમાં બદલી અપાતી હોવાની ફરિયાદો ઊઠી હતી. જેના કારણે રિઝર્વ બેન્ક અને જિલ્લા સહકારી બેન્કોના અધિકારીઓ વચ્ચે એક બેઠક યોજાઇ હતી. જેમાં રર૦૦ શાખાની જૂની નોટોની બદલી અને ડિપોઝિટની સત્તા સ્થગિત કરાઇ હતી.

ગઇ કાલે આરબીઆઇ દ્વારા અસ્પષ્ટ પ્રેસ રિલીઝ કરાઇ છે. કેટલીક સહકારી બેન્કો વિડ્રોઅલ વિશે કડકાઇથી સૂચનાનું પાલન નથી કરતી. તેમણે ચોક્કસ નોટો લેવા કે ગ્રાહકને પરત આપવા અંગે તમામ નિર્દેશોનું કડકાઇથી પાલન કરવું પડશે. આજે આરબીઆઇ સ્પષ્ટ સૂચના જાહેર કરશે ત્યાર બાદ સહકારી બેન્કોમાં રદ થયેલા ચલણ સ્વીકારવા અને ડિપોઝિટ કરવા અંગેની કામગીરી શરૂ કરાશે.

You might also like