CM યોગીએ પ્રચારબંધીનો તોડ કાઢ્યો: મંદિરમાં હનુમાન ચાલીસાના પાઠ કર્યા

લોકસભા ચૂંટણી માટેના પ્રચાર દરમિયાન સતત વધતાં જતાં બેફામ વિવાદિત નિવેદનો વચ્ચે ચૂંટણીપંચે કડક વલણ અપનાવ્યું છે અને કોરડો વિંઝ્યો છે. ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને બહુજન સમાજ પાર્ટી (બસપા)નાં પ્રમુખ માયાવતી સહિતના કેટલાક દિગ્ગજ નેતાઓ પર ચૂંટણીપંચે ચૂંટણી પ્રચાર કરવા પર ૭ર કલાકનો પ્રતિબંધ લાદી દીધો છે.

યોગી આદિત્યનાથે ચૂંટણીપંચ દ્વારા કરવામાં આવેલી આ પ્રચારબંધીનો અનોખો તોડ શોધી કાઢ્યો છે. તેમણે હવે લખનૌના પ્રસિદ્ધ બજરંગ સેતુ મંદિરમાં હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા. અલી-બજરંગબલિના વિવાદ વચ્ચે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ આજે લખનૌના સુપ્રસિદ્ધ હનુમાન સેતુ મંદિરમાં દર્શન કરવા પહોંચી ગયા હતા અને પૂજા-અર્ચના કર્યા બાદ હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા.

મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ આજે સવારે ૮.૩૦ કલાકે બજરંગ સેતુ મંદિર પહોંચ્યા હતા, જ્યાં કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહ પણ પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે ચૂંટણીપંચે યોગીના ભાષણ આપવા પર પ્રતિબંધ લગાવ્યો છે અને આ પ્રતિબંધમાં તેમને મંદિરમાં જવા સામે કોઈ રોક લગાવવામાં આવી નથી.

વિવાદિત નિવેદનોના કારણે ચૂંટણીપંચની નોટિસ મળ્યા બાદ યોગી આદિત્યનાથે પોતાની વાત સ્પષ્ટ કરી છે. પંચને મોકલેલા જવાબમાં યોગીએ જણાવ્યું છે કે બજરંગબલીમાં મારી અતૂટ આસ્થા છે અને કોઈને ખરાબ કે ખોટું લાગશે કે કોઈ અજ્ઞાનતાના કારણે અસુરક્ષા અનુભવે એવા ડરથી હું મારી આ આસ્થાને છોડી શકું નહીં. યોગીએ આ સાથે એમ પણ કહ્યું કે તેમણે છદ્મ ધર્મનિરપેક્ષતાને ઉજાગર કરી હતી. દરેક નાગરિકને ધર્મ અને આસ્થાની સ્વતંત્રતા છે.

ગયા ગુરુવારે ચૂંટણીપંચે યુપીના સીએમ યોગી આદિત્યનાથ અને બસપાનાં સુપ્રીમો માયાવતી પાસે તેમનાં વિવાદિત નિવેદનો પર નોટિસ મોકલીને ખુલાસો માગ્યો હતો. ચૂંટણીપંચે કડક કાર્યવાહી કરતાં યોગીના ચૂંટણીપ્રચાર પર ૭ર કલાક અને માયાવતીના પ્રચાર પર ૪૮ કલાકનો પ્રતિબંધ લાદી દીધો હતો.

યોગીએ આ અંગે જણાવ્યું કે તેમણે ક્યારેય પણ ધર્મ અને જાતિના નામ પર મત માગ્યા નથી. ધર્મ અને જાતિના નામ પર ફક્ત વિપક્ષના નેતાઓ મત માગી રહ્યા છે. તેમણે સ્પષ્ટતા આપતાં વધુમાં જણાવ્યું હતું કે તેમણે લીલા વાઇરસ ઉપનામનો ઉપયોગ સંકીર્ણ દરજ્જાની એ રાજનીતિ માટે કર્યો હતો, જેના હેઠળ રાજનૈતિક પક્ષો મૂલ્યની અવગણના કરીને ધર્મ વિશેષને વોટબેન્ક તરીકે વાપરતા આવ્યા છે.

યોગી આદિત્યનાથ ભલે નોમિનેશન પ્રક્રિયામાં સામેલ ન થાય પણ રાજનાથસિંહ અને યોગી લખનૌના બજરંગ સેતુ મંદિરમાં એકસાથે આવશે અને એક પ્રકારે એ ચૂંટણીપ્રચારની જ શરૂઆત હશે. ચૂંટણીપંચના પ્રતિબંધના કારણે યોગી આદિત્યનાથ ૧૬, ૧૭ અને ૧૮ એપ્રિલ સુધી તથા માયાવતી ૧૬ અને ૧૭ એપ્રિલે ચૂંટણી પ્રચાર કરી શકશે નહીં.

ઉલ્લેખનીય છે કે ૧૮ એપ્રિલે યુપીમાં બીજા તબક્કાનું મતદાન થવાનું છે. યુપીમાં જે આઠ લોકસભા બેઠકો પર બીજા તબક્કામાં મતદાન થવાનું છે તે ભાજપ અને બસપા બંને માટે ખૂબ જ મહત્ત્વની ગણાય છે.

You might also like