શપથવિધિ સ્ટેડિયમમાં જ પણ તારીખ અંગે સસ્પેન્સ યથાવત્

રાજ્યના નવા મુખ્યપ્રધાન તરીકે વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન સહિતના પ્રધાનમંડળની શપથવિધિની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભાજપ દ્વારા સત્તાવાર રીતે જાહેરાત નથી કરાઇ, પરંતુ નવરંગપુરામાં આવેલા સરદાર પટેલ સ્ટેડિયમમાં આ શપથવિધિ યોજાશે. જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાન અને કેન્દ્રીય નેતાઓ હાજર રહેશે. રપ કે ૨૬ ડિસેમ્બરના રોજ મુખ્યપ્રધાન સ‌િહત પ્રધાનમંડળની શપથવિધિ થશે. શપથવિધિની પોલીસતંત્ર દ્વારા પણ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.

ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન તરીકે નીતિન પટેલની વરણી બાદ આજે અથવા આવતી કાલ સુધીમાં પ્રધાનમંડળમાં કોનો સમાવેશ કરવો તે નક્કી કરવામાં આવશે. ભાજપ મોવડી મંડળ દ્વારા હજુ સુધી મુખ્યપ્રધાન સ‌િહત પ્રધાનમંડળની શપથવિધિની તારીખ અંગે સસ્પેન્સ રાખવામાં આવ્યું છે, પરંતુ સરદાર સ્ટેડિયમમાં શપથવિધિને લઇ રંગરોગાન અને સમારકામની તૈયારી શરૂ કરી દેવાઇ છે.

શહેર પોલીસને શપથવિધિની તૈયારીઓ અંગેની સૂચના આપી દેવામાં આવી છે. છેલ્લા ત્રણ દિવસથી પોલીસ દ્વારા પોલીસ બંદોબસ્તની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આશરે ૩૦૦૦થી પ૦૦૦ જેટલા પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. જેસીપી કક્ષાના અધિકારીથી લઇ પી.આઈ., પી.એસ.આઈ. સહિતના પોલીસ કર્મચારીઓને જવાબદારી સોંપવામાં આવી છે.

શપથવિધિમાં આશરે રપ,૦૦૦ જેટલા લોકો હાજર રહેવાના હોઈ તેને ધ્યાનમાં રાખી સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. દરેક પોલીસ સ્ટેશનમાંથી પ૦થી વધુ પોલીસ કર્મચારીઓ બંદોબસ્ત માટે ફાળવવામાં આવ્યા છે. શપથવિધિ યોજાવવાની ગણતરીને લઇ આવતી કાલે પોલીસ દ્વારા રિહર્સલ કરવામાં આવશે. સ્ટેડિયમમાં શપથવિધિને લઈ સ્ટેડિયમ પાંચ રસ્તા તરફ આવવા-જવાના તેમજ સ્ટેડિયમ તરફ આવવાના રોડ બ્લોક કરવામાં આવશે.

You might also like