લાલબત્તી ઇફેક્ટ CM રૂપાણીએ જાતે જ ગાડી પરથી ઉતારી લાલબત્તી

અમદાવાદઃ વીવીઆઇપી કલ્ચરને નાબુદ કરવા માટે કેન્દ્રીય કેબિનેટે લાલ અને વાદળી બત્તી પર પ્રતિબંધ લાદી દીધો છે. ત્યારે તેની અસર મંત્રીઓ અને પ્રધાનોની ગાડીઓ પર જોવા મળી રહી છે. આ નિયમ 1 મેથી લાગુ થવાનો છે. ત્યારે અત્યારથી જ કેટલાક મંત્રીઓએ પોતાની ગાડી પરથી બત્તી હટાવી લેવાની કવાયત હાથ ધરી છે. ત્યારે ગુજરાતના સીએમ રૂપાણીએ પણ તેમની ગાડી પરથી જાતે જ લાલ બત્તી દૂર કરી દીધી છે. આ સાથે ગુજરાતના અન્ય મંત્રીઓ અને કેન્દ્રના મંત્રીઓએ પણ પોતાની ગાડી પરથી બત્તી હટાવી દીધી છે.

જો કે આ નિર્ણય પહેલાં પંજાબ પછી ઉત્તરપ્રદેશની સરકારે લીધો હતો. મુખ્યમંત્રી સહિતના મંત્રીમંડળ અને અધિકારીઓની ગાડી પરથી લાલ લાઇટ હટાવીને વીઆઇપી કલ્ચર દૂર કરવાનો નિર્ણય કર્યા બાદ બુધવારે કેન્દ્રીય કેબિનેટે પણ પ્રકારનો નિર્ણય જાહેર કર્યો છે. ગુજરાત સરકારે તેને અનુસરીને મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓ અને અધિકારીઓના વાહન પરથી લાલ લાઇટ દૂર કરવાનો નિર્ણય કર્યો છે.

આ મામલે મોદીએ કહ્યું હતું કે દેશના તમામ નાગરીક વીઆઇપી છે. ત્યારે તેમના આ નિવેદનને અન્ય મંત્રીઓએ પણ ટેકો આપ્યો છે. લોકશાહીના દેશમાં જનતા અને મંત્રીઓ એકસમાન  હોવાનો અભિગમ જોવા મળી રહ્યો છે. જોકે રાજ્ય દ્વારા કેન્દ્રના નોટિફિકેશનનો અભ્યાસ કરવામાં આવશે. ત્યાર બાદ માત્ર પોલીસ, ફાયર બ્રિગેડ અને એમ્બુલન્સ જેવા ઇમરજન્સી સર્વિસના વાહનોને લાઇટની મંજૂરી આપવામાં આવશે. પોલીસ અધિકારીઓને પણ તેમની પોસ્ટની સમીક્ષા કરીને મંજૂરી આપવામાં આવશે.

 

You might also like