પતંગની દોરીથી પશુ-પક્ષીને બચાવવા કરુણા અભિયાન CM રૂપાણી લૉન્ચ કરશે

અમદાવાદ, બુધવાર
રાજ્યભરમાં ઉમંગભેર ઊજવાતા ઉત્તરાયણના તહેવારમાં દર વર્ષે પતંગની દોરીથી પક્ષીઓનાં ઈજા અને મૃત્યુ થવાના અનેક બનાવો ચિંતાજનક રીતે દર વર્ષે વધી રહ્યા છે. ઉત્તરાયણના દિવસો દરમિયાન પશુ તરીકે માનવીને બચાવવા સરકારે શરૂ કરેલા કરુણા અભિયાનનું આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણી વિધિવત લોન્ચિંગ કરશે.

સરકારે શરૂ કરેલા આ અભિયાનમાં અમદાવાદની ૬૫ સહિત રાજ્યભરની ૫૮૪ ટીમ કાર્યરત થશે. જેમાં સરકારી અધિકારીઓ, સ્વયંસેવક અને તબીબો સહિત કુલ ૫,૦૦૦થી વધુ વ્યક્તિ કામ કરશે. ૨૦ જાન્યુઆરી સુધી આ અભિયાન ચાલશે. જેમાં અમદાવાદના ૬૫ સહિત રાજ્યભરના ૫૦૦ તબીબ જોડાશે. શહેરના દરેક વિસ્તાર અને તાલુકા જિલ્લા મથકને પરંપરા સાથે જોડાયેલા ઉત્સવને સાવચેતી સાથે જોડવામાં આવ્યું છે.

આ અભિયાનમાં બાળકોને પણ જોડવામાં આવ્યાં છે. અમદાવાદમાં મ્યુનિસિપલ કમિશનરની સીધી દેખરેખ હેઠળ વન વિભાગ, પશુપાલન વિભાગ, શિક્ષણ વિભાગ, પોલીસ તંત્ર, એનિમલ વેલફેર બોર્ડ, જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ કેન્દ્ર, ગૌશાળા, પાંજરાપોળ વચ્ચે સંકલન કરવામાં આવ્યું છે. શહેરમાં ૫૦થી વધુ સ્થળોએ પક્ષીઓની સારવાર માટે કેન્દ્રો ઊભાં કરાયાં છે.

ઘવાયેલાં પક્ષીઓની સારવાર માટે એમ્બ્યુલન્સની ફાળ‍વણી કરાઈ છે. સારવાર માટે પક્ષીઓની સોનોગ્રાફી, પેથોલોજીની વ્યવસ્થા પણ કરાઈ છે. આ વખતે પતંગના દોરાથી ઘાયલ પક્ષીઓને લાગણીવશ લોકો દત્તક લઈને ઘેર પાળી શકશે. કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા શહેરમાં ૮થી વધુ સારવાર કેન્દ્રો ઊભા કરાયાં છે.

ચાઈનીઝ દોરા અને ચાઈનીઝ તુક્કલના વેચાણના પ્રતિબંધ બાદ જો કોઈ વેપારી જાહેરનામાનો ભંગ કરી તેનું વેચાણ કરતો જશાશે તો તેની સામે ફોજદારી કાર્યવાહી થશે. જાહેરનામાની અમલવારી અને ચકાસણી અર્થે શહેરમાં ૧૭ નાયબ મામલદારની ટીમ રચાઈ છે. જેઓ સતત ચેકિંગ ચાલુ રાખશે અને કોઈ પણ માહિતી કે ફરિયાદના આધારે તરત જ દરોડા પાડી આગળની કાર્યવાહી કરશે.

You might also like