શ્રમિકોને તત્કાળ સારવાર માટે ધન્વન્તરી આરોગ્ય રથને ૧૦૮ સાથે જોડવાની જાહેરાત

અમદાવાદ: મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે બાંધકામ શ્રમિકોના અને તેમના પરિવારોની આરોગ્ય સુખાકારી માટે ધન્વન્તરી આરોગ્ય રથનું અમદાવાદમાં લોકાર્પણ કરાવતાં આ આરોગ્ય રથની સેવાઓ ૧૦૮ એમ્બ્યુલન્સ સાથે જોડવાની નેમ દર્શાવી હતી. તેમણે કહ્યું કે, સઘન આરોગ્ય સારવારની સુવિધા અને ગોલ્ડન અવરમાં જીવનરક્ષકની બહુમૂલ્ય સેવા આના પરિણામે બાંધકામ શ્રમિકોને જરૂરિયાતના સમયે તત્કાલ પહોંચાડવાની આ સરકારની પ્રતિબદ્ધતા છે.

આનંદીબહેને આરોગ્ય સેવા બાંધકામ શ્રમયોગીઓને પૂરી પાડવાના આ ધન્વન્તરી રથને સુશાસન-ગુડ કવર્નન્સની સાચી દિશા ગણાવી હતી. તેમણે કહ્યું કે, વિકાસની હરેક પ્રક્રિયાના કેન્દ્રસ્થાને સામાન્ય માનવી-વંચિતનું હિત રાખવાનો અમારો સૌના સાથે સૌના વિકાસનો મંત્ર છે. મુખ્ય મંત્રીએ બાંધકામ સાઈટ પરના આ અસંઠિત ક્ષેત્રના શ્રમિકોના સંતાનો માટે શિક્ષણ સુવિધા, હોસ્ટેલ-આવાસ છત્ર અને આંગણવાડીના ભૂલકાંઓ માટે સંસ્કાર સિંચનની સેવા આ સરકારે પૂરી પાડી છે તેનો વ્યાપક લાભ પોતાના સંતાનોને આપવા હાર્દભરી અપીલ કરી હતી.

તેમણે અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોને યુ વીન કાર્ડથી આગવી ઓળખ આપીને શ્રમિક કલ્યાણ મેળા દ્વારા સાધન-સહાય અને આધુનિક તાલીમની વ્યવસ્થા રાજ્યવ્યાપી બનાવવામાં આવી છે તેની ભૂમિકા આપી હતી. મુખ્ય મંત્રીએ ગુજરાતમાં મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની આવાસ સહાય અટલ પેન્શન તેમજ પ્રસૂતિ સહાય, કૌશલ્યવર્ધન યોજનાની સવિસ્તાર સમજ આપતા કહ્યું કે, તંત્ર નૈતિક જવાબદારી અને સમાજદાયિત્વરૂપે દર વર્ષે શ્રમયોગીઓના ધોરણ-૧૦માં અભ્યાસ કરતા સંતાનોને શોધીને તેમને સારી શાળા-ઉચ્ચ અભ્યાસમાં મદદ કરે.

મુખ્ય મંત્રીએ ૮ મહાનગરોના બાંધકામ શ્રમિકો માટે ૯ ધન્વન્તરી રથ લોકાર્પણ સાથે જ આવા શ્રમયોગીઓના બાળકોને રૂ. ૯૧ હજારની વિવિધ શિક્ષણ સહાયના ચેક, એક સ્વર્ગસ્થ લાભાર્થીની વિધવાને રૂ. પાંચ હજારનો અંત્યેષ્ટિ સહાય ચેક અને પ્લમ્બરિંગના ૧૦ તાલીમાર્થીઓને સ્ટાઈપેન્ડ ચેક તેમજ ૧૧ કડિયાકામ મહિલા શ્રમિકોને સાધન-કીટ વિતરણ કર્યું હતું. આ ધન્વન્તરી આરોગ્ય રથ વાર્ષિક અંદાજે રૂ. ૪ કરોડના ખર્ચે રોજના ૧૦૦૦થી અધિક શ્રમિકોની સઘન આરોગ્ય તપાસણી-નિદાનની સેવા ઘરઆંગણે પૂરી પાડશે.

You might also like