માત્ર જ્યલલિતા નહીં, આ મુખ્યપ્રધાનોનાં પણ કાર્યકાળ દરમિયાન નિધન થયાં હતાં

નવી દિલ્હી: તામિલનાડુનાં મુખ્યપ્રધાન અને એઆઇડીએમકેનાં સુપ્રીમો જ્યલલિતાનું ગઇ કાલે રાત્રે ચેન્નઇની હોસ્પિટલમાં નિધન થયું. તેઓ ઘણા લાંબા સમયથી બીમાર હતાં. તેમના મૃત્યુથી તેમના ચાહકો શોકાતુર બન્યા છે. તેઓ ૧૯૯૧માં પહેલી વાર રાજ્યનાં મુખ્યપ્રધાન બન્યાં હતાં. ત્યારબાદ સતત છ વાર રાજ્યનાં મુખ્યપ્રધાન બન્યાં. પોતાના શાસનકાળ દરમિયાન તેમણે ઘણા એવા નિર્ણય લીધા, જેમણે તેમને લોકપ્રિય બનાવ્યાં. તેમણે તામિલનાડુની જનતાને બે રૂપિયામાં ભરપેટ ભોજન ખવડાવવાની શરૂઆત કરી. તેઓ અમ્માના નામથી જાણીતાં હતાં.

એવા કેટલાય મુખ્યપ્રધાન છે, જેમનાં નિધન જ્યલલિતાની જેમ તેમના કાર્યકાળ દરમિયાન થયાં હતાં.
મુફ્તી મોહમ્મદ સઇદ (૧૯૩૬-ર૦૧૬)
જમ્મુ-કાશ્મીરના મુખ્યપ્રધાન રહી ચૂકેલા મુફતી મોહમ્મદ સઇદનું નિધન ૭ જાન્યુઆરી, ર૦૧૬ના રોજ દિલ્હીની એઇમ્સમાં થયું. તેમના શરીરનાં અંગો ખરાબ થઇ જવાના કારણે તેઓ મૃત્યુ પામ્યા. સઇદ બે વખત રાજ્યના મુખ્યપ્રધાન રહ્યા. તેઓ પીડીપીના સંસ્થાપક પણ રહ્યા.

એમજી રામચંદ્રન (૧૯૧૭-૧૯૮૭)
એમજીઆર નામથી જાણીતા રામચંદ્રન તામિલનાડુના મુખ્યપ્રધાન હતા. તેઓ ફિલ્મ નિર્માતા, અભિનેતા, નિર્દેશક પણ હતા. તેમણે તામિલ સિનેમામાં પણ કામ કર્યું. તેમનું મૃત્યુ ર૪ ડિસેમ્બર, ૧૯૮૭ના રોજ મુખ્યપ્રધાનપદ પર હતા ત્યારે થયું.

વાયએસ રાજશેખર રેડ્ડી (૧૯૪૯-ર૦૦૯)
વાયએસ રાજશેખર રેડ્ડી વાયએસઆરના નામથી જાણીતા હતા. તેઓ ર૦૦૪થી ર૦૦૯ સુધી આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન હતા. તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના સભ્ય પણ હતા. ર સપ્ટેમ્બર, ર૦૦૯ના રોજ હેલિકોપ્ટર દુર્ઘટનામાં આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન વાયએસઆર રેડ્ડીનું નિધન થયું. તેમના નેતૃત્વમાં મે-ર૦૦૪ની રાજ્ય વિધાનસભા ચૂંટણીઓમાં કોંગ્રેસે ૧૮પ બેઠકો પર વિજય મેળવ્યો. રેડ્ડી ૧૧મી વિધાનસભામાં ૧૯૯૯થી ર૦૦૪ સુધી વિપક્ષના નેતા રહ્યા હતા. તેઓ ચાર વખત લોકસભાના સભ્ય પણ રહ્યા હતા.

શેખ અબ્દુલ્લા (૧૯૦પ-૧૯૮ર)
જમ્મુ-કાશ્મીરના મુખ્યપ્રધાન રહી ચૂકેલા શેખ અબ્દુલ્લાનું ૮ સપ્ટેમ્બર, ૧૯૮રના રોજ નિધન થયું. તેઓએ ફેબ્રુઆરી-૧૯૭પથી માર્ચ-૧૯૭૭ સુધી મુખ્યપ્રધાનના રૂપમાં તેમનો પહેલો કાર્યકાળ પૂરો કર્યો હતો. ત્યારબાદ જમ્મુ-કાશ્મીરની જનતાએ આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં તેમને એક વાર ફરી મુખ્યપ્રધાનની ખુરશી સુધી પહોંચાડી દીધા. તેમણે ૧૯૭૭થી સપ્ટેમ્બર-૧૯૮ર સુધી મુખ્યપ્રધાનના રૂપમાં પોતાનો બીજો કાર્યકાળ પૂરો કર્યો.

ગોપીનાથ બારડોલી (૧૮૯૦-૧૯પ૦)
આસામના મુખ્યપ્રધાન ગોપીનાથ બારડોલીનું ૬ ઓગસ્ટ, ૧૯પ૦ના રોજ નિધન થયું. તેઓ આસામના મુખ્યપ્રધાન હતા, પરંતુ આસામ રાજ્યની રચના બાદ તેઓ પ્રદેશના પહેલા મુખ્યપ્રધાન પણ બન્યા. તેમણે પોતાની રાજકીય સફરની શરૂઆત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસથી કરી હતી.

દોરજી ખાંડુ (૧૯પપ-ર૦૧૧)
દોરજી ખાંડુ અરુણાચલ પ્રદેશના છઠ્ઠા મુખ્યપ્રધાન હતા. વર્ષ ર૦૦૯માં તેઓ બીજી વાર મુખ્યપ્રધાન બન્યા હતા. ૩૦ એપ્રિલ, ર૦૧૧ના રોજ એક હેલિકોપ્ટર દુર્ઘટનામાં તેમનું મૃત્યુ થયું. બાંગ્લાદેશના યુદ્ધ દરમિયાન તેમને પોતાની ઇન્ટેલિજન્સ સેવાઓ માટે ગોલ્ડમેડલ પણ મળ્યો હતો.
http://sambhaavnews.com/

You might also like