ગુજરાતના બાળકો મૂલ્યનિષ્ઠ શિક્ષણ પ્રાપ્ત કરતા થયા છેઃ આનંદીબહેન

અમદાવાદ: મુખ્ય મંત્રી આનંદીબહેન પટેલે ગૌરવ સહ જાહેર કર્યું હતું કે, ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રના સર્વગ્રાહી સુધારાના પ્રયાસોને પરિણામે બાળકોને પ્રાથમિક કક્ષાએથી જ મૂલ્યનિષ્ઠ શિક્ષણ પ્રાપ્ત થઈ રહ્યું છે. ગુજરાતે કન્યા કેળવણીના ક્ષેત્રે જનસહયોગથી કન્યા કેળવણી અભિયાન ઉપાડીને કન્યા શિક્ષણના રેટમાં પણ દેશમાં ઉચ્ચસ્થાન પ્રાપ્ત કર્યું છે. આનંદીબહેન પટેલ રાજકોટ જિલ્લાના ઉપલેટાના પ્રાંસલા ખાતે સ્વામી ધર્મબંધુજી આયોજિત ૧૮મી રાષ્ટ્રકથા શિબિરને સંબોધન કરી રહ્યા હતા. આ શિબિરમાં ગુજરાત અને અન્ય રાજ્યોના પાંચથી પચીસ વર્ષની વયના ૨૫,૦૦૦ યુવાઓ રાષ્ટ્રભક્તિ, દેશપ્રેમ, સમાજસેવા, વ્યક્તિત્વ વિકાસના ગુણો શિબિરના માધ્યમથી આત્મસાત કરી રહ્યા છે.

બાળકો જ દેશની સાચી મૂડી છે, બાળકો આવતી કાલના ભારતના નિર્માતા છે. બાળકોમાં દેશભાવનાનું આરોપણ થાય એ જરૃરી છે. તેમ મુખ્ય મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું અને શિબિરમાં મળનારું જ્ઞાન આત્મસાત કરવા કહ્યું હતું. ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય સચિવ પી. કે. મિશ્રાએ જણાવ્યું હતું કે, બાળકો શક્તિનો પુંજ છે. આ શક્તિને યોગ્ય દિશા આપવાની જરૃર છે. જો પ્રગતિ કરવી હોય તો કઠોર પરિશ્રમ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. તેમણે આત્મવિશ્વાસ, વડીલોને આદર આપવા શીખ આપી હતી.

તેમણે આ વિશે વધુમાં કહ્યું હતું કે પહેલાં સમાજની માનસિકતા એવી હતી કે શિક્ષિત સ્ત્રીને સમાજમાં તેની લાયકાત મુજબનું આદરભર્યું સ્થાન મળતું ન હતું. સ્ત્રી ગમે તેટલું ભણી હોય, તો પણ તેનું સ્થાન માત્ર રસોડા પૂરતું જ સીમિત રહી જતું હતું. પરંતુ સ્ત્રી જો પોતાની પ્રબળ ઈચ્છા શક્તિને આધારે કોઈ પણ કામનો પ્રારંભ કરે તો તેને લોકોની સહાય ચોક્કસ મળે છે. આજે સરકારની નારી ગૌરવ નીતિને પરિણામે મહિલાઓ માટે સ્વનિર્ભરતાની નવી દિશા ખુલી છે. સશક્તિકરણના નવા અધ્યાયની શરૂઆત થઈ છે. નાની-નાની સુટેવો કેળવીને પણ રાષ્ટ્રસેવા કેવી રીતે કરી શકાય તે ઉદાહરણ સાથે સમજાવી મુખ્ય મંત્રીએ બાળકોને આવી સુટેવો થકી રાષ્ટ્રસેવા કરવાની શીખ આપી હતી.

મૂલ્યનિષ્ઠ શિક્ષણ અંગે પોતાનો સ્પષ્ટ વિચાર પ્રસ્તુત કરતાં આનંદીબહેન પટેલે જણાવ્યું હતું કે બાળકોમાં પ્રાથમિક શિક્ષણ કક્ષાએથી જ સુસંસ્તૃતતા સુટેવો પ્રામાણિકતા અને દેશભાવના જાગૃત થાય છે. બાળકોના માનસ પર ઘર ઉપરાંત શાળાનું વાતાવરણ પણ ઘણી જ અસર કરે છે. તેથી શાળાનું શૈક્ષણિક વાતાવરણ તંદુરસ્ત બનાવવાના પ્રયાસો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યા છે, તેના નેત્રદિપક પરિણામો પણ જોવા મળ્યાં છે.

ગુજરાતમાં પ્રવૃત્તિ આધારિત શિક્ષણનું સુદ્રઢ અમલીકરણ કરવામાં આવ્યું હોવાની વાત કહી પટેલે આગામી સમયમાં સાગર કાંઠાના યુવાનોને સુરક્ષા સોસાયટી હેઠળ વિશેષ તાલીમ અપાશે તેમ કહ્યું હતું. તેમણે કહ્યું કે ગુજરાતના યુવા ખેલાડીઓને ૨૧ દિવસમાં વિશેષ તાલીમ રાજ્ય સરકાર દ્વારા નિઃશુલ્ક આપવામાં આવી છે. સુરક્ષા સેતુ યોજના અંતર્ગત સ્ટુડન્ટ કેડેટ કોર્પ્સની રચના કરવામાં આવી છે. પ્રત્યેક જિલ્લામાં ૩,૦૦૦ જેટલા બાળકોને પોલીસ દ્વારા શિક્ષિત કરવામાં આવ્યા છે. જેમાં માત્ર સ્વરક્ષા જ નહિ, સ્વચ્છતા અને રાષ્ટ્રભાવનાનું પણ શિક્ષણ અપાયું છે, તેમ તેમણે જણાવ્યું હતું.
વૈશ્વિક મિશન ટ્રસ્ટના પ્રણેતા સ્વામી ધર્મબંધુજીએ રાષ્ટ્રકથાનો ઉદ્દેશ્ય સમજાવ્યો હતો. નિવૃત્ત જનરલ જી. ડી. બક્ષી અને પી. સી. કટોચે પ્રેરણાત્મક પ્રવચનો આપ્યા હતા. મુખ્ય મંત્રીની કન્યા કેળવણી નિધિમાં ચેક અર્પણ કરવામાં આવ્યા હતા અને દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

You might also like