કેન્દ્ર સમક્ષ ગુજરાતના ૪૮ પ્રશ્નો પડતર

ગાંધીનગર: કેન્દ્ર સરકાર સમક્ષ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વેને મુંબઈ સુધી લંબાવવા સહિતના ગુજરાતના ૪૮ જેટલા મહત્ત્વના પ્રશ્નોનો હજુ સુધી ઉકેલ આવ્યો નથી. જો કે કેન્દ્રમાં ભાજપ સરકારની રચનાના દોઢ વર્ષમાં જ નર્મદા બંધની ઊંચાઈની મંત્રી સહિત ૨૧થી વધુ પ્રશ્નોનો રાજ્યની તરફેણમાં સુખદ ઉકેલ આવ્યો છે. અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનની મંત્રી, અમદાવાદ મેટ્રો રેલવે પ્રોજેક્ટ ફેઝ-૧ની મંજૂરી, દાંડી હેરિટેજ રૃટનો વિકાસ, વણાકબોરી થર્મલ પાવર પ્રોજેક્ટની મંજૂરી, સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટને રાષ્ટ્રીય નાણાકીય સહાય જેવા ૨૧ પ્રશ્નો કેન્દ્ર સરકાર સમક્ષ લાંબા સમયથી પડતર હતા. પરંતુ નવી કેન્દ્ર સરકારે ગુજરાત પ્રત્યે હકારાત્મક અભિગમ દાખવીને ત્વરિત મંજૂરીઓ આપી દીધી છે.

જો કે કોસ્ટલ હાઈવે સહિત રાજ્ય ધોરીમાર્ગોને રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં ફેરવવા, સાબરમતી રેલવે સ્ટેશનનો વિકાસ, ગુજરાતને સિંધુ બેઝીનના પાણીની ફાળવણી, વાડીનાર બંદરનો કંડલા પોર્ટ ટ્રસ્ટ અને ગુજરાત મેરીટાઈમ બોર્ડના સંયુક્ત સાહસમાં વિકાસ, પાકિસ્તાન દ્વારા પકડવામાં આવતા ગુજરાતના માછીમારો અને તેમની બોટને છોડાવવાનો મુદ્દો સેન્ટર ફોર કોટનએક્સેલન્સની સ્થાપના, ગુજરાતને વિજ ઉત્પાદન માટે નજીકની ખાણમાંથી કોલસાની ફાળવણી, મરીન ઈમિગ્રેશન ચેકપોસ્ટની સ્થાપના, સરહદી વિસ્તારોમાં ફેન્સિંગની બાબતનો પ્રશ્ન ઉકેલાયો નથી.

આ ઉપરાંત ગુજરાત માટે નવી ટ્રેનો શરૃ કરવા અને ટ્રેનો લંબાવવા, રેલવે લાઈનોનું ગેજ રૃપાંતરણ અને દ્વીમાર્ગીકરણ, સોમનાથ-દ્વારકા રસ્તાનું છમાર્ગીકરણ, પશ્ચિમ રેલવેનું મુખ્યમથક અમદાવાદ ખાતે ખસેડવાની માંગણી, રાજ્યમાં દિલ્હી-મુંબઈ ઈન્ડસ્ટ્રીયલ કોરીડોરને રેલવે જોડાણ આપવા બાબત. અમદાવાદ ખાતેની સ્વ.મોરારજી દેસાઈની સમાધિ માટે સહાય, શહેરી વિકાસ સત્તામંડળોને કરમુક્તિ વગેરે પ્રશ્નોનું પણ હજુ સુધી નિરાકરણ આવ્યું નથી.

કેન્દ્ર સરકાર સમક્ષ ગુજરાતના મહત્ત્વના પ્રશ્નોના સત્વરે ઉકેલ માટે સંસદના બજેટ સત્ર પૂર્વ આજે રાજ્યના સાંસદો સાથે મહત્ત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીએ ૨૧થી વધુ પ્રશ્નોના ત્વરિત નિવારણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયના મંત્રીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રીએ સાંસદોને એમ પણ જણાવ્યું કે ગુજરાતના પ્રશ્નો તથા તેની સ્થિતિ અંગે સંસદના ગૃહોમાં રજૂઆત કરવા માટે અન્ય પૂરક માહિતી સાંસદોને જરૃરિયાત જણાયે રાજ્ય સરકાર અને તંત્ર અવશ્ય સમયસર પૂરી પાડશે. સાંસદો પણ આ સંદર્ભમાં તેમને મળતા જવાબો-વિગતો રાજ્ય સરકારના ધ્યાને મૂકે તેવો અનુરોધ પણ કર્યો હતો. સાંસદોએ પણ રાજ્ય સરકારના વિભાગો દ્વારા કેન્દ્રીય બાબતો સંદર્ભે તેમને આપવામાં આવતી માહિતી સંસદગૃહમાં ગુજરાતના પ્રશ્નોની સચોટ રજૂઆત માટે ઉપયુક્ત બને છે તેવા પ્રતિભાવો આપ્યા હતા.

અડધો ડઝન સંસદસભ્યો ગેરહાજર રહ્યા
મુખ્યમંત્રી સાથેની આજની સંસદસભ્યો સાથેની મહત્ત્વપૂર્ણ બેઠકમાં લગભગ અડધો ડઝન સંસદસભ્યો એક અથવા બીજા કારણસર ગેરહાજર રહ્યા હતા. જો કે તેમની ગેરહાજરીએ અનેક મુદ્દાની ચર્ચા સર્જી હતી.

You might also like