મુખ્યમંત્રી આનંદીબહેન પટેલનો આજે અમદાવાદમાં રોડ શો

અમદાવાદ: આગામી તા. ૨૨ નવેમ્બરે યોજાનારી અમદાવાદ કોર્પોરેશનના ચૂંટણી જંગમાં ભાજપને સતત ત્રીજી વખત સત્તાના સૂત્રો અપાવવા માટે આજે મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ અમદાવાદમાં રોડ શો કરવાના છે. સમગ્ર અમદાવાદ શહેરને આનંદીબહેનના રોડ શોમાં આવરી લેવાશે. ‘કમળ’ના પ્રચાર માટે ખુદ મુખ્યમંત્રી મેદાનમાં ઉતરવાના હોઈ ભાજપની છાવણીમાં ભારે ઉત્સાહનું મોજું ફેરવાઈ ગયું છે. આ વખતે ભાજપે કોર્પોરેશનની કુલ ૧૯૨ બેઠક પૈકી ૧૫૦ પ્લસ બેઠક જીતવાનો લક્ષ્યાંક રાખ્યો છે. છેલ્લા દશકાથી કોર્પોરેશનમાં ભાજપનું શાસન છે, પરંતુ પહેલીવખત મોદી મેજીક વગર ભાજપને ચૂંટણીરૂપી વેતરણી પાર કરવીપડશે, પરંતુ ખુદ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે પ્રારંભથી અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીને લગતી સઘળી જવાબદારી સુપેરે ઉપાડી લીધી હોઈ પક્ષના અદના કાર્યકરોમાં પણ પુનઃ જીતવાનો જુસ્સો દેખાઈ આવે છે.

પક્ષના ઉમેદવારોમાં જુના મંત્રીઓ, સંનિષ્ઠ કાર્યકરોને પસંદ કરીને ભાજપે ખાસ વાદવિવાદ વગર ચૂંટણીનો ‘ઈડરિયો ગઢ’ જીતવાની દૃષ્ટિએ આગેકૂચ કરી છે. હવે મુખ્યમંત્રી ઉમેદવારો માટે આક્રમક પ્રચાર કરવા મેદાનમાં આવ્યા છે. શહેરના વિભિન્ન વિસ્તારોમાં દિવાળીના સપરમા દિવસોમાં પણ જંગી જાહેરસભા સંબોધનાર આનંદીબહેન આવતીકાલે રોડ શો કરીને મતદારો સાથે સીધો સંવાદ કરશે.

આજે સવારે નવ વાગ્યે સુરેલિયા એસ્ટેટ ચાર રસ્તાથી આનંદીબહેનના રોડ શોને પ્રારંભશે. જે ખોડિયારનગર બ્રિજ, પાંજરાપોળ રિંગ રોડ-આલોક ચોકડી નરોડા ગામ ચોક, સરદારનગર, એઈસી ચાર રસ્તા સુધીનો ૫૦ કિ.મી.નો રસ્તા કાપશે અમદાવાદ પશ્ચિમ, અમદાવાદ પૂર્વ અને ગાંધીનગર લોકસભા એમ ત્રણે લોકસભા મત વિસ્તારના વિભિન્ન સ્થાનો પર જઈ મુખ્યમંત્રી પ્રજાજનોને સંબોધશે. સમગ્ર શહેરના તેમના નિર્ધારિત રૃટમાં તેમનું ઠેર ઠેર ઉમળકાભેર સ્વાગત કરવામાં આવશે.

સમગ્ર રોડ શો દરમિયાન મુખ્યમંત્રી નગરજનો, શુભેચ્છકો અને કાર્યકર્તાઓના અભિવાદન ઝીલશે. આ રોડ શો દરમિયાન મુખ્યમંત્રીની સાથે સ્થાનિક વોર્ડના ભાજપના ઉમેદવારો, ધારાસભ્ય, સંસદસભ્ય, શહેર પ્રભારી, શહેર હોદ્દેદારો અને સ્થાનિક આગેવાનો જોડાઈ ભાજપનો પ્રચાર કરશે.

મુખ્યમંત્રી આનંદીબહેન પટેલની ઉપસ્થિતિમાં આજે રાત્રે ૯.૦૦ વાગ્યે શહેર યુવા મોરચા દ્વારા ‘યુવા જોડો’ કાર્યક્રમ યોજાનાર છે. સપ્તક પાર્ટી પ્લોટ-એ.ઈ.સી. ચાર રસ્તા, નારણપુરા ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં પ્રદેશ ઉપાધ્યક્ષ અને શહેર પ્રભારી આઈ. કે. જાડેજા, પ્રભારી મંત્રી શંકર ચૌધરી તથા યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ પ્રદિપસિંહ વાઘેલા ઉપસ્થિત રહેશે તેમ શહેર ભાજપના મીડિયા સેલના કન્વીનર ડો. હેમંત ભટ્ટે જણાવ્યું હતું.

આજનો રોડ શો
સવારે ૦૯.૦૦        રોડ શોનો પ્રારંભ         સુરલિયા એસ્ટેટ ચાર રસ્તા
બપોરે ૧૨.૩૦          રોડ શો                        ખોડિયારનગર બ્રિજ
બપોરે ૦૩.૦૦         રોડ શો                        પાંજરાપોળ, રિંગ રોડ, આલોક ચોકડી
સાંજે ૦૫.૩૦           રોડ શો                         નરોડા ગામ ચોક
સાંજે ૦૭.૩૦           રોડ શો                          સરદારનગર
રાત્રે ૦૯.૧૫            રોડ શો પૂર્ણ અને           સપ્તક પાર્ટી પ્લોટ,
યુવા મોરચા સંમેલન     એઈસી. ચાર રસ્તા

You might also like