બહેનોને ૫૦% બેઠકો આપીને વિકાસમાં નારી શક્તિને ભાગીદાર બનાવાઇ છે

અમદાવાદ: મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે સુરેન્દ્રનગરના નવરચિત થાન તાલુકામાં ભાજપા ઉમેદવારના સમર્થનમાં ચૂંટણી પ્રચાર અભિયાનમાં દૌરમાં કહ્યું કે, ભાજપા સરકાર શાસનમાં આવી પછી વિકાસની તેજ રફતારથી ગુજરાત દેશ-દુનિયાનું મોડલ સ્ટેટ બન્યું છે.
આનંદીબહેને ઉમેર્યું કે, ભૂતકાળમાં શાસકોએ ગ્રામીણ મહિલાઓને શિક્ષણથી વંચિત રાખી અંગૂઠા મતપત્રોમાં લગાવડાવીને સત્તા મેળવવા જ ઉપયોગ કરેલો. અમે કન્યા શિક્ષણથી માંડીને સશક્ત બનાવી ૧૭૦૦ કરોડનો આર્થિક કારોબાર સોંપ્યો છે.

”અમે નારીશક્તિનું માન-સન્માન- ગૌરવ કરવાની સંસ્કૃતિ ધરાવતા લોકો છીએ એટલે ઘર-ઘર ટોયલેટ તથા માતા-બહેનોને સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં ૫૦ ટકા બેઠકો આપી વિકાસમાં નારીશક્તિનો ભાગીદાર બનાવી છે” એમ તેમણે રાજય સરકારના સ્ત્રી સશક્તિકરણ આયામોની સફળતા વર્ણવતાં કહ્યું હતું. મુખ્યમંત્રીએ નવરચિત થાન તાલુકાના સર્વાંગી વિકાસ માટેની ભાજપા શાસનની પ્રતિબધ્ધતા વ્યક્ત કરતાં જણાવ્યું કે, વિકાસની મુખ્ય ધરામાં હરેક નગર-ગામ-તાલુકો આવરી લઈ ગતિશીલ વિકાસને અને સાકાર કર્યો છે.

આનંદીબહેને ૨૦૦૧ પહેલાંના ગુજરાતના વિકાસ ચિત્ર સાથે હાલના દોઢ દાયકામાં ભાજપાએ કરેલા અવિરત વિકાસને નજરોનજર નિહાળનારા-અનુભૂતિ કરનારા સૌ કોઈ ભાજપા પ્રત્યે જનાધાર વ્યક્ત કરશે જ તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો. પ્રદેશ પ્રવકતા આઈ. કે. જાડેજા, સાંસદ શંકરભાઈ વેગડ, મંત્રી જયંતિભાઈ કવાડિયા, સંસદીય સચિવ શામજીભાઈ સહિત પદાધિકારીઓ, જનસમૂહ આ વેળાએ ઉપસ્થિત હતાં.

આગામી રવિવારે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી અંતર્ગત મતદાન થવાનું છે ત્યારે પ્રચારના અંતિમ દિવસોમાં મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે વિવિધ જિલ્લા અને તાલુકાઓમાં ઝંઝાવાતી પ્રચાર તેમજ રોડ શો દ્વારા મતદારોને રાજ્યના વિકાસ માટે ભાજપ તરફી મતદાન કરવા અપીલ કરી છે.

You might also like