ક્લબ વર્લ્ડકપ ફૂટબોલઃ રિયલ મેડ્રિડ ચેમ્પિયન

નવી દિલ્હીઃ રિયલ મેડ્રિડના સ્ટાર સ્ટ્રાઇકર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની હેટ્રિક સામે કાશિમા એન્ટલર્સનો કરિશ્મા ચાલી શક્યો નહીં. પોતાના શાનદાર પ્રદર્શનના દમ પર પહેલી વાર ક્લબ વર્લ્ડકપ ફૂટબોલની ફાઇનલમાં પહોંચેલી કાશિમાએ ૬૮,૦૦૦ સ્થાનિક દર્શકોની હાજરીમાં જીત માટે જીવ લગાવી દીધો હતો, પરંતુ ૨-૪થી હાર ટાળી શકી નહોતી. આ સાથે જ કાશિમાનું આ ખિતાબ જીતનારી પહેલી એશિયન ટીમ બનવાનું સપનું પણ તૂટી ગયું હતું.

જોકે રિયલ મેડ્રિડને જીત મેળવવા માટે વધારાના સમયનો સહારો લેવો પડ્યો. રિયલ મેડ્રિડ તરફથી રોનાલ્ડોએ ૬૦મી, ૯૭મી અને ૧૦૪મી મિનિટે, જ્યારે કરીમ બેજેન્માએ નવમી મિનિટે ગોલ કર્યો હતો. કાશિમા તરફથી બંને ગોલ શિવાસાકીએ ક્રમશઃ ૪૪મી અને બાવનમી મિનિટે કર્યા હતા. રિયલે બીજી વાર આ ટ્રોફી પર કબજો જમાવ્યો છે. આ પહેલાં તેણે વર્ષ ૨૦૧૪માં આ ખિતાબ જીત્યો હતો. પોર્ટુગલના સ્ટાર રોનાલ્ડો માટે આ વર્ષ ઘણું શાનદાર રહ્યું છે. તેણે ચેમ્પિયન્સ લીગ, યુરો કપ જીતવા ઉપરાંત ગત સપ્તાહે જ બેલોન ડિયોર ખિતાબ પણ જીત્યો છે. જાપાનની જે લીગ ચેમ્પિયન કાશિમા એન્ટલર્સ આ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચનારી પહેલી એશિયન ટીમ છે.

home

You might also like