કાપડના જથ્થો મંગાવી વેપારીને રૂ. ૨૧ લાખ ચૂકવ્યા જ નહીં

અમદાવાદ: શહેરના કાગડાપીઠ વિસ્તારમાં આવેલ ન્યૂ ક્લોથ માર્કેટમાં કાપડના વેપારીઓ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થઇ હોવાની અસંખ્ય ફરિયાદ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. ત્યારે વધુ એક કાપડનો વેપારી દલાલની છેતરપિંડીનો ભોગ બન્યો છે. એક ટકા દલાલી લેવાનું કહીને કાપડના દલાલે 21 લાખ રૂપિયાના કાપડના જથ્થાની છેતરપિંડી આચરી છે.

બોપલ વિસ્તારમાં આવેલ વસંત વિહારમાં રહેતા દિનેશકુમાર શિવભગવાન અગ્રવાલે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં 21 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ કરી છે. દિનેશકુમાર ન્યૂ ક્લોથ માર્કેટમાં જથ્થાબંધ કાપડનો વેપાર ધંધો કરે છે. દોઢ વર્ષ પહેલાં શાહીબાગમાં રુષિકા એપાર્ટમેન્ટમાં રહેતા સુરેશકુમાર ભીકચંદ જૈન દિનેશકુમારની ઓફિસ પર ગયા હતા અને વિશ્વાસમાં લઇને વેપાર કરવાનું શરુ કર્યું હતું. થોડાક સમય સુધી સુરેશકુમાર સમયસર પેમેન્ટ દિનેશકુમારને આપતા હતા. જોકે થોડાક સમય બાદ સુરેશકુમારે કાપડનો જથ્થો દરિયાપુર ખાતે આવેલી એક પેઢીમાં મગાવ્યો હતો.

જેમાં ચાર લાખ રૂપિયા જેટલો કાપડનો જથ્થો દિનેશકુમારને પરત મોકલાવ્યો હતો અને બાકીને 21 લાખ રૂપિયા જેટલો કાપડનો જથ્થો વેચીને રૂપિયા આપ્યા નહીં. દિનેશકુમાર સાથે થયેલી છેતરપિંડી મામલે કાગડાપીઠ પોલીસે સુરેશકુમાર વિરુદ્ધમાં છેતરપિંડીની ફરિયાદ કરી છે.
http://sambhaavnews.com/

You might also like