કાપડ બજારમાં સુસ્તીઃ GST મુદ્દે વેપારીઓમાં તડા પડ્યા

અમદાવાદ: કેન્દ્ર સરકારે જાહેર કરેલી ૧લી જુલાઇથી આખરે શંકા કુશંકા વચ્ચે જીએસટીના અમલ શરૂ થઇ ચુક્યો છે. કાપડ બજાર પાંચ ટકા જીએસટી હટાવવાની સાથે કાયદામાં રહેલી કેટલીક વિસંગતતાઓ દૂર કરવાની માગ કરી રહ્યું છે. અગાઉ એક દિવસની પ્રતીક હડતાળ પાડ્યા બાદ પાછલા સપ્તાહે સળંગ ત્રણ દિવસની હડતાળ પાડવામાં આવી હતી. જોકે જીએસટીના અમલ બાદ પણ કાપડ બજારના કોઇ ડિલિવરીનાં કામકાજ નહીં થતાં બજારનો તમામ કારોબાર ઠપ થઇ ગયો છે. બજારના અગ્રણીઓના જણાવ્યા પ્રમાણે શહેરના કાપડ બજારનો એક અંદાજ મુજબ ૧પ૦૦ કરોડથી વધુનો કારોબાર બંધ થઇ ગયો છે.

કાપડ બજારના અગ્રણીઓના જણાવ્યા પ્રમાણે મોટા ભાગના કાપડના વેપારીઓએ જીએસટી નંબર સંબંધી કાર્યવાહી કરી શક્યા નથી તો બીજીબાજુ ટ્રાન્સપોર્ટરો પણ માલની ડિલિવરી માટે સત્તાવાર બિલની માગણી કરી રહ્યા છે અને તેને કારણે બજારના વેપારીઓને ડિલિવરી અટવાઇ ગઇ છે. મોટાભાગના વેપારીઓનો એવો મત છે કે સરકાર કાપડ બજારમાં ઊભી થયેલી વિસંગતતા સંબંધે કોઇ રાહત આપે નહીં ત્યાં સુધી ડિલિવરીના કામકાજથી દૂર રહેવું.

દરમ્યાન સુરતના કાપડ બજારમાં બે ભાગ પડી ગયા છે. એક વર્ગ અનિશ્ચત મદ્દતની હડતાળને સમર્થન કરી રહ્યો છે તો બીજો વર્ગ વેપાર ધંધા ચાલુ રાખવાની તરફેણ કરી રહ્યો છે.

શહેરના ન્યૂ કલોથ માર્કેટ, મસ્કતી કાપડ માર્કેટ, ઘંટાકર્ણ માર્કેટ, હરિઓમ માર્કેટ સહિત તમામ કાપડ માર્કેટના કામકાજ ઠપ છે. આ અંગે મસ્કતી કાપડ માર્કેટના પ્રેસિડન્ટ ગૌરાંગ ભગતના જણાવ્યા પ્રમાણે છેલ્લા એક સપ્તાહથી કાપડ બજારનાં કામકાજ તદ્દન બંધ છે. ડિલિવરીનાં કામકાજ નહીં થઇ શકવાના કારણે શહેરના કાપડ બજારમાં રોજનું ૧પ૦૦ કરોડથી વધુનું કામકાજ અટવાયું છે.
http://sambhaavnews.com/

You might also like