દલાલી કરતા વેપારીઓએ મહાજનનું સર્ટિફિકેટ ફરજિયાત લેવું પડશે

અમદાવાદ: અમદાવાદ શહેર સહિત સુરતમાં કાપડની વેપારી પેઢીઓના વધતા જતાં ઉઠામણાં તથા છેતરપિંડીના કેસને લઇને અમદાવાદ મસ્કતી કાપડ માર્કેટ મહાજને હવે દલાલ વેપારીઓ માટે મહાજનનું સર્ટિફિકેટ લેવાનો નિયમ ફરજિયાત બનાવ્યો છે.

જે દલાલ વેપારીભાઇઓએ મસ્કતી કાપડ માર્કેટના વેપારીઓ સહિત શહેરના અન્ય કાપડ માર્કેટના વેપારીઓ સાથે કારોબાર કરવો હોય તો મહાજન દ્વારા અપાયેલા સર્ટિફિકેટને જ માન્ય ગણવામાં આવશે. આ સંદર્ભે મસ્કતી કાપડ માર્કેટ મહાજનના એનાલિસિસ ગ્રૂપ દ્વારા આ સર્ટિફિકેટ આપવામાં આવશે. આ એનાલિસિસ ગ્રૂપ દલાલ વેપારી ભાઇઓને સર્ટિફિકેટ ઇસ્યૂ કરવા સંબંધે આર્થિક સ્થિતિ સહિત અન્ય વિગતોની પણ ચકાસણી કરાશે. જેેમાં આ દલાલ વેપારીભાઇ શહેર સહિત રાજ્યમાં તથા પરપ્રાંતના ક્યા ક્યા વેપારીઓ સાથે કામ કરે છે, છેલ્લાં કેટલાં વર્ષોથી કાપડ બજારમાં કામ કરે છે. પાનકાર્ડ તથા સરનામાની પણ ખરાઇ કરવામાં આવશે. અને આ તમામ વિગતોની ચકાસણી કર્યા બાદ જ સર્ટિફિકેટ ઇસ્યૂ કરાશે.

મહાજનના અગ્રણીઓના જણાવ્યા પ્રમાણે સામાન્ય રીતના મહાજન ૩૦ દિવસથી ૯૦ દિવસની ઉધારીમાં વેપારીને માલ આપે છે. પરંતુ જો સમયસર માલનાં નાણાંની રિકવરી ન થાય તો મસ્કતી મહાજને નિમેલી રિકવરી એજન્સી મારફતે પોલીસની મદદ લઇને કાપડ પાછું મેળવવાની કાર્યવાહી પણ હાથ ધરાશે.

You might also like