પાકિસ્તાને પોતાની આતંકવાદની ફેક્ટ્રી બંધ કરવી જોઇએ : રાજનાથ

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ હવે ગૃહમંત્રી રાજનાથસિંહે પણ પાકિસ્તાન પર શાબ્દિક હૂમલો કર્યો હતો. રાજનાથે પાકિસ્તાન પર આતંકવાદને પોષવાનો આરોપ લગાવતા તેને આતંકવાદની ફેકટ્રી બંધ કરવા માટે જણાવ્યું હતું. રાજનાથ સિંહે સોમવારે રિઝનલ એડિટર્સ કોન્ફરન્સમાં કહ્યું કે પાકિસ્તાને આતંકવાદને પોતાની નીતિ બનાવી લીધી છે. તેમણે કહ્યું કે, આ જ કારણ છે કે પાકિસ્તાન ન માત્ર દક્ષિણ એશિયા પરંતુ સમગ્ર વિશ્વમાં અલગ પડી ગયું છે.

ભારત પાકિસ્તાનની મદદ કરવા માટે તૈયાર છે પરંતુ તેના માટે તેણે પોતાની આતંકવાદની ફેક્ટ્રીને બંધ કરવી પડશે. તેના કારણે દક્ષિણ એશિયામાં વિકાસ અને શાંતિનું વાતાવરણ બનશે. ઉલ્લેખનીય છે કે, રવિવારે ગોવામાં બ્રિક્સ સંમ્મેલનમાં વડાપ્રધાન મોદીએ પાડોશી દેશ પર આરોપ લગાવ્યો કે પાકિસ્તાન આતંકવાદની જન્મભુમી છે. પાકિસ્તાન જ આતંકવાદને પોષે છે.

બીજી તરફ રાજનાથે એકવાર ફરીથી સ્પષ્ટતા કરતા કહ્યું કે સરકાર પાકિસ્તાન પાસે આવેલી તમામ સીમાને સીલ કરવાનો નિર્ણય કરી ચુકી છે. તેમણે કહ્યું કે સીમાની સુરક્ષા એક સંવેદનશીલ મુદ્દો છે. તે અંગે ભારત પાકિસ્તાનને છોડીને તમામ દેશો સાથે ચર્ચા કરી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તા સીમા તે આતંકવાદીઓ માટે ઘૂસણખોરીનું સ્વર્ગ રહી છે.

You might also like