ડોનેશનથી આવેલા પૈસે હિલેરીની દિકરીએ કર્યા હતા લગ્ન : વિકીલીક્સનો વિસ્ફોટ

વોશિંગ્ટન : હિલેરી ક્લિન્ટન અંગે વિકીલીક્સે વધુ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. વિકીલીક્સનાં દાવા અનુસાર હિલેરી અને બિલ ક્લિન્ટનની દીકરી ચેલ્સીનાં 2010માં થયેલા લગ્નમાં ક્લિન્ટન ફાઉન્ડેશનનાં પૈસા વપરાયા હતા. બિલ ક્લિન્ટનનાં સાથી ડોગ બેન્ડનાં લીક થયેલા ઇમેઇલ્સમાં આ વાત સામે આવી છે. નોંધનીય છે કે, ક્લિન્ટન ફાઉન્ડેશન પોતે એક એનજીઓ છે.

વિકીલીક્સે દાવો કર્યો કે ફાઉન્ડેશનનાં ખર્ચે જ સમગ્ર લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત મોંઘી ગીફ્ટ્સ પરનો ટેક્સ પણ ફાઉન્ડેશને નથી ભર્યો. ડોગ બેન્ડે આ અંગે ચેલ્સીની ફરિયાદ પણ કરી હતી. ડોગ બેન્ડ બિલ ક્લિન્ટન ફાઉન્ડેશનનાં બોર્ડ મેમ્બર રહી ચુક્યા છે. બેન્ડે પોતાના ઇમેઇલમાં ચેલ્સીનું નામ CVC (ચેલ્સી વિક્ટોરિયા ક્લિન્ટન) લખ્યું હતું. બેન્ડે 1 જાન્યુઆરી,2012નાં રોજ એક ઇમેઇલ જ્હોન પોડેસ્ટાને કર્યો હતો. જેમાં તેમણે ચેલ્સી વિરુદ્ધ આરોપો અંગે આંતરિક તપાસ થઇ હોવાની વાત કરી હતી.

બેન્ડે જ્હોનને કહ્યું હતું કે, ચેલ્સી દસ વર્ષોથી ફાઉન્ડેશનનાં રૂપિયા પોતાનાંખર્ચમાં અને પેરેન્ટ્સનો ટેક્સ ચુકવવામાં વાપરી રહી છે. મને આશા છે કે તમે ચેલ્સીને અટકાવશો. બેન્ડે આ મામલામાં ઘણા ઇમેલ પોડેસ્ટાને કર્યા હતા. જે પોડેસ્ટાનાં જીમેઇલ એકાઉન્ટમાંથી હેક થઇ ગયા હતા. વિકીલીક્સે ગત્ત 32 દિવસોમાં ચોરી થયેલા 50 હજારથી વધારે ઇમેલ્સ જાહેર કર્યા છે.

You might also like