ઉત્તર-પશ્વિમ ભારતનાં હવામાનમાં પલટોઃ દિલ્હીમાં હળવો વરસાદ

નવી દિલ્હી: ગઈ કાલે પલટાયેલા હવામાન બાદ આજે પણ ઉત્તર અને પશ્વિમ ભારતમાં હવામાનમાં પલટો આવતાં તેની અસરથી સવારે દિલ્હીમાં હળવો વરસાદ થયો હતો. હવામાનમાં એકાએક પલટો આવતાં હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી બે દિવસમાં પહાડી વિસ્તારમાં બરફ વર્ષા થવાની તેમજ બે દિવસ ઉત્તર અને પશ્વિમ ભારતમાં આવુ વાતાવરણ યથાવત્ રહેવાની સંભાવના છે.આ ઉપરાંત દિલ્હી-એનસીઆરમાં આજે સવારે આંધી આવતાં છવાયેલા અંધકારથી લોકોએ વાહનની લાઈટો ચાલુ કરવી પડી હતી.

હવામાન વિભાગના ડાયરેકટરના જણાવ્યા અનુસાર ઉત્તર અને પશ્વિમ ભારતમાં હવામાનમાં જે ફેરફાર આવ્યો છે તેની પાછળ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જવાબદાર માની શકાય છે. તેમજ ભારતમાં બંગાળના અખાત તરફથી વહી રહેલી હવાના કારણે વાતાવરણમાં પલટો આવી ગયો છે. આવું વાતાવરણ આવતી કાલ રાત સુધી યથાવત્ રહે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યકત કરી છે.

આ ઉપરાંત ઉત્તર અને પશ્વિમ ભારતમાં આવેલા પહાડી વિસ્તારમાં બરફ વર્ષા થવાની સંભાવના છે. હાલ પહાડી વિસ્તારમાં હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વાતાવરણ સાવ પલટાઈ ગયું છે. જેના કારણે આજે સવારે પણ દિલ્હીમાં હળવો વરસાદ થયો હતો. સતત પલટાતા હવામાનના કારણે હરિયાણા અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગમાં કરા પડવાની શકયતા છે. બે દિવસથી પલટાયેલાં વાતાવરણથી આ વિસ્તારમાં હાલ ગરમીથી થોડી રાહત મળી છે.

જોકે આજે દિલ્હી તેમજ આસપાસના કેટલાક વિસ્તારમાં વરસાદ થતાં સવારે ઓફિસ અથવા ધંધાના સ્થળે જતા લોકોને થોડી મુસીબત પડી હતી. તેમજ આ વિસ્તારમાં અનેક કિસાનોને તેમના તૈયાર પાકને નુકસાન થવાની ચિંતા સતાવી રહી છે. સવારે દિલ્હીમાં વાતાવરણમાં ફરી પલટો આવતાં આંધી સાથે પવન ફુંકાયાે હતો.

You might also like