હાટકેશ્વરમાં ફરી બબાલઃ પોલીસ કર્મીના પુત્ર પર ગુપ્તીથી હુમલો

અમદાવાદ: અમદાવાદના હાટકેશ્વર સર્કલ પાસે અવારનવાર હુમલાના બનાવો બનતા હોય છે ત્યારે શનિવારે મોડીરાતે પોલીસકર્મીના પુત્ર પર રૂપિયાની લેતી દેતી મામલે ગુપ્તી વડે હુમલો થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. 1700 રૂપિયાની લેતી દેતી મામલે યુવક પર હુમલો કરીને ત્રણ યુવક ફરાર થઇ ગયા હતા. અમરાઇવાડી વિસ્તારમાં આવેલ જૂની પોલીસ લાઇનમાં રહેતા અને મહેસૂલ વિભાગમાં નોકરી કરતા ભાગ્યેશ રમેશભાઇ સોલંકીએ ખોખરા પોલીસ સ્ટેશનમાં ત્રણ યુવક વિરુદ્ધમાં ગુપ્તી વડે હુમલો કરવા મામલે ફરિયાદ કરી છે.

કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા રમેશભાઇના પુત્ર ભાગ્યેશે અમરાઇવાડી વિસ્તારમાં રહેતા પપ્પુ નામના યુવકને એક મહિના પહેલા 1700 રૂપિયા ઉછીના આપેલા હતા. ભાગ્યેશ પપ્પુ પાસે અવારનવાર રૂપિયાની ઉઘરાણી કરતો હતો. પપ્પુએ રૂપિયા પરત નહીં આપતાં ભાગ્યેશને બીભસ્ત ગાળો આપીને ધમકાવતો હતો.

શનિવારની મોડી રાતે ભાગ્યેશ તેમજ તેનો મિત્ર તુષાર અગ્રવાલ તથા વિક્કી હાટકેશ્વર સર્કલની સામે આવેલી ચાની હોટલ પાસે બેઠા હતા ત્યારે પપ્પુ તેના મિત્ર ચિરાગ અને ચેતન સાથે આવી પહોંચ્યા હતા અને તું રૂપિયા શેનો માગે છે તેમ કરીને ભાગ્યેશ પર હુમલો શરૂ કરી દીધો હતો. દરમિયાનમાં ચિરાગે ગુપ્તી કાઢીને ભાગ્યેશ પર ઝીંકી દીધી હતી. ભાગ્યેશના હાથમાં ગુપ્તીના ધા વાગતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ખોખરા પોલીસ પપ્પુ, ચિરાગ અને ચેતન વિરુદ્ધમાં ગુનો દાખલ નોંધી તપાસ શરૂ કરી છે.

http://sambhaavnews.com

You might also like