સ્વચ્છતા અભિયાન માત્ર દંભ બની ન જાયઃ સંત મોરારિબાપુ

અમદાવાદ: અમદાવાદના જીએમડીસી. ગ્રાઉન્ડ ખાતે તુલસી વલ્લભ નિધિ ટ્રસ્ટ દ્વારા આયોજિત માનસ સ્વચ્છતા રામકથાના ચોથા દિવસે સંત મોરારિબાપુએ દેશમાં ચાલી રહેલા સ્વચ્છતા અભિયાનને આવકાર્યું હતું પણ સાથે સાથે એમ પણ સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય અભિયાન ખાલી દંભ અને પાખંડ ના બની જાય. બીજી તરફ આજે રામકથામાં રામ જન્મ પ્રસંગ ધામધૂમથી ઉજવાયો હતો અને અવધર્મે આનંદ ભર્યો, જય રઘુવીર લાલકીની ધૂન સાથે શ્રોતાજનો રામજન્મની ખુશીમાં લીન થયા હતા.

માનસ સ્વચ્છતા રામકથામાં સંદર્ભમાં રામકથાનું રસપાન કરાવતા સંત મોરારિબાપુએ ચોથા દિવસે દેશમાં ચાલતા સ્વચ્છતા અભિયાનને આવકારવાની સાથે કેટલાક સ્થળોએ ચાલતા દંભની સામે માર્મિક કટાક્ષ કરીને દંભી નેતાઓને આડે હાથ લીધા હતા. બાપુએ જણાવ્યું હતું કે આપણે કંઈ કરતા નથીને ફોટા પડાવીએ છીએ. તેમ જણાવી મહારાષ્ટ્રના એક નેતાને દાખલો ટાંકતા કહ્યું કે મહારાષ્ટ્રના એક નેતા સ્વચ્છતા અભિયાનમાં પરિવાર સાથે જોડાયા પણ પાંદડું એક જ હતું. બાપુએ આ તબક્કે વ્યાસપીઠ ઉપરથી દંભી નેતાઓને ચેતવતા જણાવ્યું કે રાષ્ટ્રીય અભિયાન ખાલી દંભ અને પાખંડ ના બની જાય, એ મૂળ રૂપે આવવું જોઈએ.

બાપુએ યુવાનોને ત્રણ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવા ઉપર ભાર મુકતા જણાવ્યું હતું કે મારા યુવાન ભાઈઓ-બહેનો નિયતીને ધ્યાનમાં રાખજો. નિમિત્તને ધ્યાનમાં રાખજો અને નેતાને યાદ રાખજો. આપણે ધાર્યું હોય તેવું નથી થતું ત્યારે નિયતી મારા તમારા માટે બીજું વિચારતી હશે. જે યુવાન યાદ રાખશે તેને ડિપ્રેશન નહીં થાય. માણસે ક્યારે ઉઠવું જોઈએ તે અંગે શ્રોતાઓનું ધ્યાન દોરતા બાપુએ જણાવ્યું હતું કે માણસે પ્રાતઃકાળે ઉઠવું જોઈએ. પ્રાતઃકાળ એટલે અહીં સમજણનો પ્રાતઃ કાળ જ્યારે માણસમાં સમજણ આવે ત્યારે તેણે ઉઠવું જોઈએ. પ્રાતઃ કાળનો અર્થ એટલે થોડો ચમકારો થાય અને આપણે જાગી જઈએ તે પ્રાતઃકાળ આપણને લાગે કે સજ્જન માણસ સમસ્યાથી ઘેરાયો છે. ત્યારે માણસે ઉઠવું જોઈએ.

You might also like