સફાઈ કર્મચારીઓની હડતાળ સમેટાશે?

અમદાવાદ: ગઇ કાલ સાંજે મેયર ગૌતમ શાહ, ડેપ્યુટી મેયર પ્રમોદાબહેન સુતરિયા, ભાજપના નેતા બિ‌િપન સિક્કા અને સ્ટેન્ડિંગ ચેરમેન પ્રવીણ પટેલ વગેરેની ઉપસ્થિતિમાં મેયરની એન્ટી ચેમ્બરમાં હડતાળિયા કર્મચારીઓ સાથે બે કલાક સુધી મંત્રણા ચાલી હતી, પરંતુ સમાધાન ન થતા આજે બપોરે ત્રણ વાગ્યે આ મામલે ફરીથી બેઠક મળશે.

મ્યુનિ. સત્તાવાળાઓએ હડતાળિયા કર્મચારીઓ સાથે મંત્રણા થાય તેના પહેલાં જ સમાધાનનો આશાવાદ સેવ્યો હતો. જોકે બે કલાકની બેઠક બાદ શાસકોનો આશાવાદ ઠગારો નિવડીને મંત્રણાનો ફિયાસ્કો થયો હતો. સત્તાધીશો સાથેની મંત્રણા તેના નિર્ધારિત સમય કરતાં એક કલાક મોડી શરૂ થઇ હતી કેમ કે પચીસ હડતાળિયા કર્મચારીઓની પોલીસે સવારથી અટકાયત કરી હતી અને છેક સાંજે પાંચ વાગ્યે જામીન પર છોડ્યા હતા. આજે ફરીથી બેઠક થવાની છે જોકે ગઇ કાલની બેઠક પૂર્ણ થયા બાદ મેયર ગૌતમ શાહને મંત્રણાની ફળશ્રુ‌િત અંગે પૂછતાં તેમણે પુનઃ આશાવાદ વ્યક્ત કરતાં એવું કહ્યું કે એક આગેવાન સિવાયના અન્ય તમામ સમાધાન માટે તૈયાર છે.

જોકે શાસક પક્ષની સમાધાનની ફોર્મ્યુલા મુજબ તમામ પોલીસ કેસ પાછા ખેંચી લેવા, તમામ હડતાળિયા કર્મચારીઓને પરત નોકરી પર લેવા એમ ત્રણ બાબતો હોવાથી હડતાળિયા કર્મચારીઓ નારાજ છે. હડતાળિયા કર્મચારીઓની અન્ય મુખ્ય માગણીઓ માટે શાસકોએ ત્રણ મહિનાનો સમય માગ્યો છે. બીજી તરફ હડતાળિયા કર્મચારીઓ કહે છે, આ તો સત્તાધીશોએ અમને ચોકલેટ-લોલીપોપ આપી છે! બે તબક્કામાં તમામ રો‌િજંદાઓને કાયમી કરવા, સાતમા પગારપંચનો લાભ આપવો વારસદારનો લાભ, નોકરીમાં દાખલ તારીખથી સિનિયો‌િરટી, આંબેડકર આવાસ યોજના હેઠળના ઘરના ઘરની યોજનાનો લાભ, ર૦૧૧થી પ્રોવિન્ડન્ટ ફંડનો લાભ જેવી મુખ્ય માગણી પ્રત્યે તો શાસકોએ મૌન સેવ્યું છે.

એક અગ્રણી હિતેન મકવાણાએ તો હેલ્થ કમિટીના ચેરમેન દિનેશ દેસાઇ સામે સીધો આક્ષેપ કરતાં કહ્યું કે મંત્રણામાં દિનેશભાઇનું વલણ આપત્તિજનક હતું. પોતાના ખિસ્સામાંથી તેઓ અમને પગાર ચૂકવવાના હોય તેવી તેમની ભાષા હતી. અગામી દિવસોમાં રસ્તા રોકો, જેલભરો આંદોલન જેવા જલદ કાર્યક્રમો આપીશું. અત્રે ઉલ્લેખનીય છે કે ગઇ કાલની બેઠકમાં વેજલપુરના કોર્પોરેટર દિલીપ બગરિયા પણ ઉપસ્થિત હતા.

You might also like