‘ક્લીન, ગ્રીન, બ્લૂ’ અમદાવાદમાં લોકો દૂષિત પાણી પીવા મજબૂર

અમદાવાદ: અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના સત્તાવાળાઓએ ચાલુ નાણાકીય વર્ષ ર૦૧૬-૧૭ને ‘કલીન, ગ્રીન એન્ડ બ્લૂ અમદાવાદ’ તરીકે જાહેર કર્યું છે. સત્તાધીશોની નવા નવા પ્રકારની જાહેરાતથી સ્વાભાવિકપણે સામાન્ય અમદાવાદીઓ આકર્ષાઇ જાય છે. હકીકતમાં કોર્પોરેશનના ખાટલે મોટી ખોડ એ છે કે હજુ પણ લોકોને પીવાનું શુદ્ધ પાણી મળતું નથી. આજે પણ સમગ્ર શહેરમાં દૂષિત પાણીનો હાહાકાર જોવા મળે છે.

તંત્ર દ્વારા ચાલુ વર્ષના બજેટને સઘળા પ્રકારની માળખાગત સુવિધાઓ પૈકી પીવાનું શુદ્ધ પાણી સમયસર પૂરું પાડવું, સ્વચ્છ અને હરિયાળું અમદાવાદ બનાવવાના પ્રયાસો પર આધારિત બજેટ તરીકે ઓળખાવાયું છે, જોકે છેક ર૦૧૦માં અમદાવાદના ૧૦૦ ટકા વિસ્તારને પાણી-ગટરની પ્રાથમિક સુવિધાથી આવરી લેવાનો ‘ગોલ્ડન ગોલ્ડ’ જાહેર કરાયો હતો. તેમ છતાં આજની સ્થિતિએ શહેરના ૯૦ ટકા વિસ્તારમાં જ શાસકો પાણી પૂરું પાડી શકયા છે, જ્યારે ૮પ ટકા વિસ્તારને જ ગટરની સુવિધાથી આવરી લેવાયો છે. શહેરમાં ખાસ કરીને નવા પશ્ચિમ ઝોન અને દક્ષિણ ઝોનમાં અનેક સ્થળોએ હજુ પણ ખાળકૂવાઓનો ધમધમાટ છે.

કોર્પોરેશન દ્વારા જે સ્થળોએ પીવાનું પાણી પૂરું પડાય છે તે સ્થળોએ પણ લોકોને પીવાનું શુદ્ધ પાણી મળતું નથી. વિરાટનગરના નૂરનગર, નિકોલના જગન્નાથ ફલેટ, વસ્ત્રાલના સુંદરમ્ ઇડબ્લ્યુએસ આવાસ, સરખેજ-મકરબાની ઓમશાંતિનગર સોસાયટી, કુબેરનગરમાં મથુરાસિંહની ચાલી, ગુરુકૃપાનગર, સરદારનગરમાં પ્રગતિપાર્ક, ઇન્દ્રપુરીમાં શિવનગર, શંકરનગર વિભાગ-૧, લાંભામાં રામનગર, નૂરનગર, જેટીસી છાપરાં, દાણીલીમડામાં ભીલવાસ, ઇસનપુરમાં ગાયત્રીનગર, નારોલમાં તુલસીનગર, વિજયનગર, અસારવામાં નારણ પટેલની ચાલી, નવરંગપુરામાં ઇશ્વર ભુવન, વાસણામાં વણકરવાસ અને ચાંદખેડામાં ખોડિયારનગર વિસ્તારમાંથી લેવાયેલા પાણીના નમૂના નિષ્ફળ નીવડ્યા છે.

શહેરભરમાં દૂષિત પાણીની સમસ્યાના કારણે પાણીજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે. એકલા એપ્રિલ મહિનામાં જ કોલેરાના આઠ કેસ નોંધાયા છે. જે પૈકી ત્રણ કેસ તો લાંભાના છે. ૧ જાન્યુઆરીથી ૩૦ એપ્રિલ, ર૦૧૬ સુધી ઝાડા-ઊલટીના ર૪૧૦ કેસ, કમળાના ૧૧પ૧ કેસ, ટાઇફોઇડના ૮૪૬ કેસ અને કોલેરાના ૧પ કેસ નોંધાયા છે, જે ગત વર્ષના આટલા સમયગાળા સુધીના કેસની તુલનામાં ત્રણ ગણા વધારે છે.

જોકે તંત્રનો હેલ્થ વિભાગ અને ઇજનેર વિભાગ તો દૂષિત પાણીના મામલે એકબીજા પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે. હેલ્થ વિભાગના ઇન્ચાર્જ વડા ડો. ભાવિન સોલંકી કહે છે કે ગટર લાઇનના લીકે‌િજસથી દૂષિત પાણીની સમસ્યા ઉદ્ભવે છે. જ્યારે ઇજનેર વિભાગ કહે છે કે હેલ્થ વિભાગનો રોગચાળા નિયંત્રણ માટેનો એક્શન પ્લાન બોદો પુરવાર થઇ રહ્યો છે. એ જે હોય તે સરવાળે તો અમદાવાદીઓ હેરાન થઇ રહ્યા છે.

ખુુદ ડી. થારાને દૂષિત પાણી અંગે ચિંતા વ્યક્ત કરવી પડી
તાજેતરમાં મળેલી સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ ખુુદ મ્યુનિ. કમિશનર ડી.થારાને દૂષિત પાણીની ચિંતા વ્યકત કરવી પડી હતી. ઉત્તર ઝોનના કુબેરનગર અને કલાપીનગરના ચાર-ચાર વિસ્તારોના પાણીમાં પોલ્યુશન આવતું હોઇ ડી.થારાએ આ અંગે તંત્રને તાત્કાલિક તપાસ કરવાનો પણ આદેશ આપ્યો હતો. દરમિયાનમાં મ્યુનિ. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રવીણ પટેલે જણાવ્યું હતું કે તંત્રને પાણી અને લાઈનના લીકેજીસ અટકાવવા જ્યાં જ્યાં સિમેન્ટ અને પીવીસીની લાઈન હોય ત્યાં બદલીને નવી લાઈન નાખવા સૂચના અપાઈ છે.

You might also like