ક્લીનસિટીની સ્પર્ધામાં ફેંકાયેલું મ્યુનિ. હવે કલાકારોના શરણે!

અમદાવાદ: આગામી ડિસેમ્બર-ર૦૧૭માં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ફરીથી જીત હાંસલ કરવા સત્તાધારી પક્ષ ભાજપે રાજ્યની આ‌િર્થક રાજધાની એવા અમદાવાદની ઉપેક્ષા કરવી પરવડે તેમ નથી. અમદાવાદ રાજકારણનું એપી સેન્ટર હોઇ ચૂંટણીના માહોલમાં અમદાવાદને સ્વચ્છ, સુંદર અને સુઘડ બનાવવું કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો માટે પણ જરૂરી બન્યું છે, જેના કારણે સ્વચ્છ ભારત અભિયાન હેઠળ ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર પિતા-પુત્ર કલાકાર બેલડી એવા નરેશ કનોડિયા અથવા હિતુ કનોડિયાને અમદાવાદના સ્વચ્છતા એમ્બેસેડર બનાવવાની દિશામાં કવાયત આરંભાઇ છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહરાજ્ય ગુજરાતમાં સ્વચ્છ ભારત અભિયાનને ધારી સફળતા મળી નથી, તેમાં પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત વિધાનસભામાં અમદાવાદના એક ધારાસભ્ય તરીકે બિરાજી ચૂક્યા છે. પોતાના મુખ્યપ્રધાનપદના કાર્યકાળ દરમ્યાન નરેન્દ્ર મોદીએ અમદાવાદને ધ્યાનમાં રાખીને રિવરફ્રન્ટ, બીઆરટીએસ, કાંકરિયા લેકફ્રન્ટ, ભદ્ર પ્લાઝા જેવા અનેક ડ્રીમ પ્રોજેક્ટ શરૂ કર્યા હતા. ર૦૦૭-૦૮માં ‘નિર્મળ અમદાવાદ, નિર્મળ ગુજરાત’ તે પૈકીનો એક ડ્રીમ પ્રોજેક્ટ હતો. કમનસીબે અમદાવાદને સ્વચ્છ બનાવવાનું વડા પ્રધાનનું સ્વપ્ન સાકાર થયું નથી.

કેન્દ્રના નવતર ‘સ્વચ્છ ભારત અભિયાન’ હેઠળ પણ દેશનાં અન્ય શહેરોની સરખામણીમાં અમદાવાદની કામગીરી નિરાશાજનક છે. વડા પ્રધાનના ‘હોમગ્રાઉન્ડ’ એવા અમદાવાદમાં ‘સ્વચ્છ ભારત અભિયાન’ને સફળતા અપાવવા તંત્ર મરણિયું બન્યું છે. મ્યુનિ. સત્તાવાળાઓએ ઘરે ઘરે સ્વચ્છતાનો સંદેશ ફેલાવવા નરેશ કનોડિયા અથવા હિતુ કનોડિયાને સ્વચ્છતા એમ્બેસેડર બનાવવાનાં ચક્રો ગતિમાન કર્યાં છે. તા.ર ઓક્ટોબર, ગાંધીજયંતી નિમિત્તે સત્તાવાળાઓએ ‘ સ્વચ્છ ભારત સપ્તાહ અભિયાન’ પણ કર્યું હતું.

હવે કેન્દ્ર સરકાર દ્વારા આગામી જાન્યુઆરી-ર૦૧૭માં સમગ્ર દેશમાં ‘સ્વચ્છ ભારત સર્વેક્ષણ-ર૦૧૭’ હાથ ધરાશે.
આ સર્વેક્ષણ હેઠળ કેન્દ્રના સ્વતંત્ર નિરીક્ષક અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન, ગીતામંદિર બસ સ્ટેન્ડ, કોમર્શિયલ માર્કેટ સહિતનાં માર્કેટ, પબ્લિક ટોઇલેટ, કોમ્યુનિટી ટોઇલેટ, સ્લમ વિસ્તાર વગેરેની સ્થળ તપાસ કરી જે તે સ્થળની સ્વચ્છતાનું નિરીક્ષણ કરીને કેન્દ્રની ગાઇડલાઇન મુજબ માર્ક્સ અપાશે. અત્યારે સ્વચ્છ ભારત અભિયાન હેઠળ સેમિનાર-વર્કશોપ યોજવા તંત્રમાં ધમધમાટ જોવા મળી રહ્યાે છે.

You might also like