બુકાનીધારી લુખ્ખાઓએ મોડી રાતે રીતસર આતંક મચાવી દીધો

અમદાવાદ: અમદાવાદના મેઘાણીનગર તથા શહેરકોટડા વિસ્તારને ગત મોડીરાતે 4 અસમાજિક તત્ત્વોએ બાનમાં લેતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી . ચારેય લુખ્ખાં તત્ત્વોએ દારૂ પીને મેધાણીનગર તથા શહેરકોટડા વિસ્તારમાં આવેલા મેમ્કો, પ્રેમનગર, કૈલાસનગર, રચના સ્કૂલ, સરસ્વતી નગરમાં આતંક મચાવતા 20 કરતાં વધુ વાહનોના કાચ તોડ્યા હતા ત્યારે 3 રિક્ષાઓનાં હૂડ પણ સળગાવ્યાં હતાં. તો તેમને રોકવા જનાર રહીશો ઉપર પણ પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં એક વ્યકિતને છાતીના ભાગમાં પથ્થર વાગતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મેધાણીનગર પોલીસે આંતક મચાવનાર માસ્ટરમાઇન્ડ રવી ઉર્ફે લલ્લો ભદોરિયા સહિત ચાર યુવાનોની ધરપકડ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મેમ્કો વિસ્તારના પ્રેમનગરમાં આવેલ કૈલાસનગરમાં રહેતા સુમેરસિંહ ઉર્ફે પપ્પુ રાધેશ્યામ રાજપૂતે શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં રવિ ઉર્ફે લલ્લો ભદોરિયા તથા ત્રણ અજાણ્યા ઇસમો વિરુદ્ધમાં ગાડીઓના કાચ તોડવા તેમજ પથ્થરમારો કરવા અને વિસ્તારમાં આંતક ફેલાવવા માટે ફરિયાદ દાખલ કરાવી છે. ઉલ્લેખનીય છે ગત મોડી રાતે રવિ ઉર્ફે લલ્લો ભદોરિયા તથા તેના ત્રણ સાથી દારો ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં કૈલાસનગર વિસ્તારમાં મોઢા પર રૂમાલની બુકાની બાંધીને આવ્યા હતા. તમામ લોકોના હાથમાં બેઝ બોલની સ્ટિક અને ડંડા હતા જેને લઇને વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.

ફરિયાદી સુમેરસિંહના જણાવ્યા અનુસાર ચારેય શખ્સોએ મોડી રાતે કૈલાસનગરમાં પથ્થરમારો શરૂ કરી દીધો હતો. જેમાં 20 જેટલાં વાહનોના કાચ તૂટી ગયા હતા. જ્યારે તેમને રોકવાની કોશિશ કરતાં તેઓએ અમારી પર પણ પથ્થરમારો કર્યો હતો જેમાં એક પથ્થર સુમેરસિહની છાંતીના ભાગે વાગતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ મુદ્દે મેઘાણીનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એસ.પૂનડિયા એ જણાવ્યું છે કે શહેરકોટડામાં જે દિવસે રવિ અને તેમના સાથીદારો આતંક મચાવ્યો ત્યારે તેમણે મેધાણીનગરમાં પણ બે ગાડીઓના કાચ તોડ્યા હતા અને ત્રણેક રિક્ષાઓના હૂડ સળગાવ્યાં હતાં. ગઇકાલે રવિ સહિત તેમના ત્રણેય સાથીદારોની ધરપકડ કરી લીધી છે. ઉલ્લેખનીય છેકે રવિ ઉર્ફે લલ્લો ભદોરિયા અગાઉ પણ પોલીસ સંકજામાં આવી ચુક્યો છે.

You might also like