અમદાવાદ: કડીના જોટાણા નજીક અાવેલ મોયણ ગામે ચૂંટણીની અદાવતમાં ઠાકોર અને દરબારની બે કોમ વચ્ચે જોરદાર ધીંગાણું થતાં ભયનું વાતાવરણ ફેલાયું હતું. પોલીસે તાબડતોબ પહોંચી જઈ ગામમાં કડક જાપ્તો ગોઠવી દઈ સઘન પેટ્રોલિંગ શરૂ કર્યું હતું.
અા અંગેની વિગત એવી છે કે જોટાણા નજીક અાવેલા મોયણ ગામે યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઠાકોર અને દરબાર વચ્ચે વેરઝેર ઊભું થયું હતું. દરબાર કોમના ઉમેદવારનો વિજય થતાં ઠાકોર ઉશ્કેરાયા હતા.
દરમિયાનમાં મોડી રાતે ઠાકોર અને દરબાર કોમના બે યુવાનો વચ્ચેની સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને જોતજોતામાં જ બંને કોમનાં ટોળાંએ અામનેસામને અાવી જઈ એકબીજા પર હુમલો કરતાં નાના એવા મોયણ ગામમાં સોપો પડી ગયો હતો. અા ઘટનામાં દસથી વધુ લોકોને ઈજાઓ પહોંચતાં તમામને કડીની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં અાવ્યા છે. પોલીસે અા અંગે રાયોટિંગનો ગુનો દાખલ કરી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.
http://sambhaavnews.com/