નવા વાડજના ભરવાડવાસમાં બે જૂથ વચ્ચે અથડામણઃ મહિલા સહિત ત્રણને ઈજા

અમદાવાદ: શહેરના નવા વાડજ વિસ્તારમાં આવેલા મોટા ભરવાડવાસમાં ગઇ કાલે ભરવાડ કોમનાં બે જૂથ વચ્ચે મારામારી થઇ હતી. ઘરની બહાર બીભત્સ ગાળો બોલતાં એક યુવકે પોલીસને જાણ કરતાં મારામારી થઇ હતી.

આ મારામારીમાં ત્રણ જણને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. વાડજ પોલીસે રાયોટિંગનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ નવા વાડજ મ્યુનિ. સ્કૂલ સામે આવેલ મોટા ભરવાડવાસમાં વિજયભાઇ સોમાભાઇ ભરવાડ રહે છે. તેમના ઘરની સામે આવેલા હનુમાન પાર્લર નામના ગલ્લા પર સંજય ભરવાડ, મહેશ ભરવાડ, અંકિત ભરવાડ, રોનક ભરવાડ, લલિત ભરવાડ, કાર્તિક ભરવાડ અને નરેશ ભરવાડ બેઠા હતા. આ તમામ શખ્સો જોરશોરથી વાતો અને ગાળાગાળી કરતા હોવાથી વિજયભાઇએ પોલીસને જાણ કરી હતી.

પોલીસ આવતાં સંજય ભરવાડ અને વિજય ભરવાડ વચ્ચે બોલાચાલી થઇ હતી. દરમ્યાનમાં સંજયના ભાઇ મૂકેશે લોખંડની પાઇપ લઇ આવી બોલાચાલી અને ઝપાઝપી કરી હતી, જેથી વિજયનાં પરિવારજનો બહાર દોડી આવ્યાં હતાં. સંજય સાથે બેઠેલા યુવકોએ પણ મારામારી શરૂ કરી હતી.

આ મારામારીમાં ‌મહિલા સહિત ત્રણને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. પોલીસને જાણ થતાં વાડજ પોલીસ કાફલો ભરવાડવાસમાં દોડી આવ્યો હતો. વાડજ પોલીસે આઠ શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

You might also like