બાવળાનાં કવિઠા ગામે બરમુડા મામલે જૂથ અથડામણ, 4 લોકો ઈજાગ્રસ્ત

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લાં ઘણાં સમયથી નાતજાતનાં ઝઘડાઓ વઘી રહ્યાં છે. અમદાવાદની નજીકમાં આવેલાં બાવળામાં બે જૂથ બાખડ્યાં હતાં. દલિત સમાજ અને રાજપૂત સમાજનાં લોકો સામ સામે આવી ગયાં હતાં. મૂછ કેમ રાખી છે, ચડ્ડા પહેરીને કેમ ફરો છો તેમ કહીને ઝઘડો શરૂ થયો હતો.

આવી સામાન્ય વાતની તકરારે જોતજોતામાં જ મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને બે જૂથો વચ્ચે મારામારી શરૂ થઈ ગઇ હતી. આ મારામારીમાં ચાર લોકો ઘાયલ થયાં હતાં. બાવળાનાં કવિઠા ગામે દલિત સમાજનો એક યુવક પાનની દુકાનમાં ગયો હતો. જ્યાં રાજપૂત સમાજનાં યુવકોએ તેને અટકાવીને સવાલો કર્યા કે, બરમૂડો કેમ પહેર્યો છે અને શા માટે મૂછો રાખીને ફરે છે.

જો કે થોડાં દિવસો પહેલાં પણ આ જ યુવકો વચ્ચે બોલાચાલી થઇ હતી. જેને લઈને ગઇ કાલે ફરીથી મોટી બબાલ થઇ હતી. જેમાં બંન્ને સમાજ આમને-સામને આવી ગયાં હતાં અને 4 લોકોને ઇજા થઇ હતી. આ ઈજાગ્રસ્તોમાંથી એકને વધુ સારવારની જરૂર લાગતાં તેઓને વીએસ હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી. જ્યારે અન્ય ત્રણ લોકોને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં.

આ જૂથ અથડામણ મામલે બંને પક્ષ પોતાની વાત કરી રહ્યાં છે અને એકબીજા પર આક્ષેપ લગાવી રહ્યાં છે. સાચી વાત શું છે તે તો જો કે પોલીસ તપાસમાં જ બહાર આવશે. હાલ આ મામલે DYSP પણ તપાસ કરી રહ્યાં છે. પોલીસ દ્વારા ઇજા પામેલા લોકો અને ઘટના થઈ ત્યારે હાજર લોકોની પૂછપરછ કરાઈ રહી છે.

ભૂતકાળમાં પણ દલિતોને મૂછ રાખવા મામલે તેમજ બૂટ પહેરવા બદલ માર માર્યો હોવાંની પણ અનેક ઘટનાઓ સામે આવી હતી. ત્યારે ફરી વાર વધારે એક ઘટના બનતા પોલીસે ચાપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો. જેનાં કારણે આ વાત મોટું સ્વરૂપ ધારણ ન કરે અને તપાસ યોગ્ય દિશામાં થાય ને આરોપીને સજા મળે.

You might also like