દંતેવાડામાં પોલીસ અને નક્સલીઓ વચ્ચે અથડામણઃ ત્રણ નક્સલી ઠાર, એક ઘાયલ

દંતેવાડાના ધનીકરકામાં પોલીસ અને નક્સલીઓ વચ્ચે જબરદસ્ત અથડામણ ચાલી રહી છે, જેમાં ત્રણ નક્સલીઓનાં મોત અને એક ઘાયલ થયાના સમાચાર સામે આવી રહ્યા છે. આ ઘટના કુઆકોન્ડા પોલીસહદની જણાવવામાં આવી છે. દંતેવાડા એસપી અભિષેક પલ્લવે અથડામણની વાતને સમર્થન આપ્યું છે.

કટેકલ્યાણ પોલીસ સ્ટેશન અને કુઆકોન્ડા પોલીસ સ્ટેશનની બોર્ડર પર સર્ચિંગ માટે નીકળેલા ડીઆરજીના જવાનોનો નક્સલીઓ સાથે સામનો થયો હતો. પોલીસ-નકસલ અથડામણમાં મૃત્યુ પામેલા નક્સલીઓમાંથી એક પાંચ લાખના ઈનામી મલંગીર એરિયા કમિટીનો સભ્ય, છાત્ર સંગઠન અધ્યક્ષ અને આઈડી એક્સ્પર્ટ વર્ગીસ સાથે મહિલા નક્સલી એન્કાઉન્ટરમાં ઠાર મરાયા હતા, સાથે-સાથે સંત્રી ડ્યૂટીમાં લાગેલો નક્સલી પણ અથડામણમાં ઘાયલ થયો હતો.

ઘાયલ નક્સલીને પ્રાથમિક ઉપચાર બાદ દંતેવાડા જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. પોલીસે નક્સલીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો અને ૩૧૫ બોરની બંદૂક જપ્ત કરી છે. દેશના ઘણા ભાગમાં નક્સલીઓ લોકસભા ચૂંટણીઓનો વિરોધ કરી રહ્યા છે અને લોકોને વોટ ન આપવાની અપીલ કરી રહ્યા છે. ગયા સોમવારે ઝારખંડના ગીરીડીહમાં સુરક્ષાદળો અને નક્સલીઓ વચ્ચેની અથડામણમાં ત્રણ નક્સલી મૃત્યુ પામ્યા હતા. અથડામણમાં સીઆરપીએફનો એક જવાન શહીદ થયો હતો.

ઉલ્લેખનીય છે કે આજે ૧૮ એપ્રિલે છત્તીસગઢની ત્રણ લોકસભા બેઠકો રાજનાંદ ગામ, મહાસમુંદ અને કાંકેર પર મતદાન ચાલી રહ્યું છે. આ પહેલાં પ્રથમ તબક્કામાં રાજ્યની બસ્તર સીટ પર મતદાન થયું હતું. ૨૩ એપ્રિલે રાયપુર, વિલાસપુર, રાયગઢ, કોરબા, જાંજગીર ચાંપા, દુર્ગ અને સર્બુજા લોકસભા સીટ માટે મતદાન થશે.

ઓડિશાના કંધમાલ જિલ્લામાં બુધવારે એટલે કે મતદાનની પૂર્વસંધ્યાએ માઓવાદીઓએ મહિલા ચૂંટણી અધિકારીની ગોળી મારીને હત્યા કરી દીધી છે. માઓવાદીઓએ આ મહિલા અધિકારીને તે સમયે નિશાન બનાવી, જ્યારે તે બીજા તબક્કાના મતદાન માટે ચૂંટણી કર્મચારીઓને લઈ મતદાન કેન્દ્ર પર જઈ રહી હતી. ચૂંટણી અધિકારી સંયુક્તા દિગ્ગલને તે સમયે ગોળી મારવામાં આવી જ્યારે તે જંગલમાંથી પસાર થતી વખતે રસ્તા પર પડેલી એક શંકાસ્પદ વસ્તુ જોવા માટે નીચે ઊતરી હતી.

You might also like