રિમાન્ડ અરજીના મુદ્દે મેજિસ્ટ્રેટ અને વકીલ વચ્ચે તડાફડી

અમદાવાદ, શનિવાર
શહેરના ઘીકાંટા વિસ્તારમાં આવેલ મેટ્રોપોલિટિન કોર્ટમાં વકીલ અને મેજિસ્ટ્રેટ વચ્ચે રિમાન્ડ અરજી પર ચુકાદો નહીં આપવા બાબતે ઉગ્ર બોલાચાલી થતાં વકીલ આલમમાં ચકચાર મચી ગઇ છે.

થોડાક દિવસો પહેલાં રાણીપ પોલીસે બોગસ ડોક્યુમેન્ટ ઊભા કરીને છેતરપિંડી આચરનારની ધરપકડ કરી હતી. ત્યાર બાદ પોલીસે તેને મેટ્રો કોર્ટમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરી હતી અને રિમાન્ડની માગણી કરી હતી. કોર્ટે રિમાન્ડ અરજી પર પોતાનો ચુકાદો નહીં આપતાં આરોપીના વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી. મેજિસ્ટ્રેટે રિમાન્ડ અરજી પર વધુ સુનાવણી એક દિવસ પછીની રાખી હતી. બીજા દિવસે કોર્ટમાં લાઇટ ગઇ હોવાના કારણે રિમાન્ડ અરજી પર મેજિસ્ટ્રેટે ચુકાદાે આપ્યાે નહીં.

બે દિવસ પહેલાં એક કેસમાં ઊલટતપાસ ચાલી રહી હતી તે સમયે આરોપીના વકીલે રિમાન્ડ અરજી મામલે મેજિસ્ટ્રેટને પૂછયું હતું. કોર્ટની કામગીરીમાં દખલ ઊભી થતાં મેજિસ્ટ્રેટ અને વકીલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. કારંજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એફ.એ.નાયકે જણાવ્યું કે મેજિસ્ટ્રેટે રિમાન્ડ અરજી પર જે ઓર્ડર કર્યો હતો તે ફાડી નાખ્યો હોવાના આક્ષેપ કરતાં કંટ્રોલ મેસેજ વકીલે કર્યો હતો.

મેજિસ્ટ્રેટ અને વકીલ વચ્ચે થયેલી બબાલમાં ૨૦૦ કરતાં વધુ વકીલ કોર્ટમાં રૂમમાં ધસી આવ્યા હતા અને વકીલને ઘેરી લીધો હતો. તો બીજી તરફ કોર્ટે પણ વકીલ વિરુદ્ધમાં સરકારી કામમાં ભંગ બલદ ફરિયાદ આપી હતી. વકીલે મેજિસ્ટ્રેટ સહિત ૫૦ કરતાં વધુ વકીલો વિરુદ્ધમાં આઠ પેજની લેખિત ફરિયાદ આપી છે, જેને રિસિવ કરીને ચીફ મેટ્રો મેજિસ્ટ્રેટને મોકલી આપી છે ત્યારે કોર્ટે વકીલ વિરુદ્ધમાં કરેલી ફરિયાદને પણ ચીફ મેટ્રો મેજિસ્ટ્રેટને મોકલી આપી છે.

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતન પૂર્વ ચેરમેન અનીલ કેલ્લાએ જણાવ્યું છે કે આ મામલે બાર અને બેંચ વચ્ચે ગેરસમજ થઇ હોઇ તે માટે બાર અસોસીએેશન દ્વારા મધ્યસ્થી કરવામાં આવેલ અને કોઇ પણ પ્રશ્નોની રજૂઆત કાયદાની મર્યાદામાં અને યોગ્ય ફોરમમાં કરવી જોઇએ.

You might also like