૩૪ દિવસ વિદેશ ગયા છતાં સિવિલના સુપ્રિટેન્ડેન્ટનો પગાર જમા થઈ ગયો

અમદાવાદ: અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં નિવૃત્તિ બાદ કરાર પર રહેલા એવા સુપરિન્ટેન્ડેન્ટ ડો. એમ. એમ. પ્રભાકર વિરુદ્ધમાં તેમજ સિવિલ હોસ્પિટલની વહીવટી શાખામાં થયેલી ગેરરીતિબાબતે મુખ્યપ્રધાનના કાર્યાલયે આરોગ્ય વિભાગ અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવને તપાસ કરવાનાે આદેશ આપતાં ચકચાર મચી ગઇ છે.

મેઘાણીનગરમાં રહેતા સંજય શર્માએ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. એમ. એમ. પ્રભાકર વિરુદ્ધમાં શાહીબાગ પોલીસ સ્ટેશન તેમજ રાજ્યના મુખ્યપ્રધાનને લે‌િખતમાં ફરિયાદ કરી છે. ફરિયાદમાં કરાયેલા આક્ષેપ પ્રમાણે તારીખ ૩૦ જૂન, ર૦૧૭ના રોજ ડો. એમ.એમ. પ્રભાકર નિવૃત્ત થયા હતા. ત્યારબાદ રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા કરાર કરીને તેમને સુપરિન્ટેન્ડેન્ટ તરીકે યથાવત રાખ્યા હતા. કરાર મુજબ તેમને દર મહિને તેમને એક રજા મળે. આ સિવાય તે કોઇ રજા લઇ ના શકે.

પ્રભાકર તા.ર૧-પ-ર૦૧૭ના રોજ અમે‌િરકા ગયા હતા અને ૩૪ દિવસ બાદ એટલે કે તા.રપ-૬-૧૭ના રોજ તેઓ પરત ફરજ પર હાજર થયા હતા. સિવિલ હોસ્પિટલમાં ગેરહાજરી હોવા છતાંય હોસ્પિટલના વહીવટી વિભાગે તેમનો પ૧ હજાર રૂપિયા પગાર એમ. એમ. પ્રભાકરના ખાતામાં જમા કરી નાખ્યો હતો. સંજય શર્માની ફરિયાદને લઇ CMOએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અધિક સચિવને તપાસ કરીને ‌િરપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે ત્યારે શાહીબાગ પોલીસે પણ આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

You might also like