સિવિલ હોસ્પિટલની જર્જ‌િરત ટાંકી પડે તેની તંત્ર રાહ જુએ છે?

અમદાવાદ: અમદાવાદ શહેરમાં આજે સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ રહ્યો છે. આ વરસાદના કારણે અમદાવાદ સિવિલ હોસ્પિટલના મેઈન બિલ્ડિંગ જર્જરિત થઈ ગયેલાં સ્લેબનો હિસ્સો તૂટી પડ્યો હતો. જેના કારણે નીચે જ પાર્ક કરવામાં ટુ વ્હીલરને નુકસાન થયું હતું. બાદ હોસ્પિટલ સત્તાધીશોએ જોખમી સ્લેબ તોડાવી નંખાવ્યા હતા.પરંતુ આ જ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં વર્ષો જૂની પાણી ટાંકી જર્જરિત છે તે ગમે ત્યારે પડી શકે તેવી છે પણ તંત્ર ટાંકી પડે તેની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.

અમદાવાદમાં આવેલી સિવિલ હોસ્પિટલનું કરોડોના ખર્ચે બિલ્ડિંગ બનાવવામાં આવેલ છે ત્યારે સિવિલ હોસ્પટલમાં રે‌િસડેન્ટ ડોક્ટર તેમજ ગર્લ્સ હોસ્ટેલની બાજુમાં પીવાના પાણીની ટાંકી જર્જરિત હાલતમાં છે. ટાંકીની દીવાલોમાં તિરાડો પડી ગયેલ છે અને ઠેકઠેકાણે તૂટી ગયેલ છે. સીડી પણ તૂટી ગયેલ છે. ટાંકીની હાલત પણ બિસમાર જેવી છે. રે‌િસડેન્ટ ડોક્ટર તેમજ ગર્લ્સ હોસ્ટેલ દ્વારા ટાંકીનું સમારકામ હાથ ધરાય એવી માગણી છે.

સિવિલ હોસ્પિટલની મુલાકાતે રોજબરોજ હજારો પેશન્ટ આવતા હોય છે અને સિવિલ કેમ્પસમાં કોલેજો અને હોસ્ટેલ પણ ઉપલબ્ધ છે. સિવિલમાં કરોડોના ખર્ચે નવી નવી બિ‌િલ્ડંગ બનાવવામાં આવે છે. સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ એમ. એમ. પ્રભાકરની ઓફિસની નજીક નર્સિંગ હોસ્ટેલ અને પીજી હોસ્ટેલ આવેલી છે. તેની પાસે આવેલી એક પાણીની ટાંકીની બાજુમાં પીજી હોસ્ટેલ, નર્સિંગ તેમજ નવી તૈયાર થઈ રહેલી 1200 બેડની હોસ્પિટલ છે, જેને આ ટાંકીમાંથી પાણી આપવામાં આવતું હતું.

હોસ્પિટલમાં નર્સિંગ તેમજ રેસિડેન્ટ ડોક્ટર સાથે વાત કરતાં તેઓ નામ ન આપવાની શરતે કહે છે કે આ ટાંકીની ઘણી વાર રજૂઆત કરી છે અને ટાંકીની આજુબાજુ ગંદકી થાય છે તેમજ ગમે ત્યારે આ ટાંકી પડી શકે છે. સિવિલ હોસ્પિટલના સમારકામ વિભાગને વારંવાર રજૂઆત કરવા છતાં ટાંકીના રિપેરિંગ બાબતે કોઇ ધ્યાન અપાયું નથી.

અહીં થોડા દિવસ પહેલાં જ જિલ્લા પંચાયતની ટીમે સર્વે કરતાં હોસ્પિટલના કેમ્પસમાં આવેલ પીજી હોસ્ટેલ, નર્સિંગ હોસ્ટેલ તેમજ નવી બની રહેલી 1200 બેડની હોસ્પિટલ નજીકથી પોરા મળ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં સાફસફાઈ તેમજ મચ્છરોની ઉત્પત્તિ રોકવા માટે વર્ષ 2011થી ખાસ 10થી વધુ ટીમ પણ બનાવાઈ હોવા છતાં પણ તેમની પોલમપોલ દેખાઇ આવે છે. હાલ તો આ ટાંકી જર્જરિત હાલતમાં થઇ ગઇ હોવાથી ગમે ત્યારે ધરાશાયી થવાની ભીતિ છે.

આ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. એમ. એમ. પ્રભાકરે જણાવ્યું કે આ રિનોવેશન અને સાફસફાઈની તમામ જવાબદારી પીઆઇયુ અને પીડબલ્યુડી વિભાગ સંભાળે છે, તેથી તમે તમને પૂછો. પીડબલ્યુડી વિભાગના અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ટાંકી થોડા દિવસમાં તોડી નાખવામાં આવશે. નર્સિંગ કૉલેજ પાસે એક ટાંકી બનાવી છે તેમાંથી પાણીનું કનેક્શન આપવામાં આવ્યું છે.

You might also like