સિવિલ હોસ્પિટલના ૨૪૨ પૈકી ૭૦ સીસીટીવી કેમેરા પ્રજ્ઞાચક્ષુ

અમદાવાદ: અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં નઘરોળ તંત્રના કારણે ગેરવ્યવસ્થાનાં છાશવારે અવનવાં ઉદાહરણ પ્રકાશમાં આવી રહ્યાં છે ત્યારે દર્દીઓની સુખ-સુવિધા માટે નિતનવા પ્રોજેક્ટ લાખો રૂપિયાના ખર્ચે અમલમાં મુકાતા હોવા છતાં સત્તાવાળાઓની આળસના કારણે તેનો ખાસ લાભ મળી શકતો નથી. આનું ઉદાહરણ સિવિલ હોસ્પિટલમાં બંધ પડેલા ૭૦ સીસીટીવી કેમેરા છે. સિવિલ હોસ્પિટલમાં ચોરી, મારામારી જેવા અનેક બનાવ છાશવારે બનતા હોય છે, જેનો ભેદ ઉકેલવામાં પોલીસ લાચાર બની છે, જેનું કારણ માત્ર સીસીટીવી કેમેરા છે. આ સંજોગોમાં બંધ સીસીટીવી કેમેરાને ચાલુ કરવા તંત્ર ક્યારે ગંભીર બનશે તેવો પ્રશ્ન પણ જાણકાર વર્તુળોમાં ચર્ચાઇ રહ્યો છે.

ર૬ જુલાઇ, ર૦૦૮ના રોજ અમદાવાદની સિવિલ હોસ્પિટલ સહિત અલગ અલગ જગ્યાએ શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ થયા હતા, જેમાં સંખ્યાબંધ લોકોને પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો. આ ઘટના બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલ સહિતની તમામ સરકારી હોસ્પિટલો અને જાહેર જગ્યા પર ફરજિયાતપણે સીસીટીવી કેમેરા લગાવવાનો આદેશ કરવામાં આવ્યો હતો. વર્ષ ર૦૧ર બાદ સિવિલ હોસ્પિટલમાં કરોડો રૂપિયાના ખર્ચે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે, જે આજે શોભાના ગાં‌ઠિયા સમાન પુરવાર થયા છે.

ઉલ્લેખનીય છે કે તારીખ ર૭ ઓગસ્ટના રોજ સિવિલ હોસ્પિટલમાં એક નવજાત બાળકને ત્યજીને એક વ્યક્તિ ફરાર થઇ ગલ હતી, જેમાં બાળકનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ બાળકનાં માતા-પિતા કોણ છે તેની શોધ માટે પોલીસે તપાસ તેજ કરી હતી અને સિવિલ હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા, જોકે પોલીસ માટે લાચારીની વાત એ હતી કે હોસ્પિટલમાં સીસીટીવી કેમેરા બંધ હતા. જ્યારે થોડાક દિવસ પહેલાં સિવિલ હોસ્પિટલમાં મે‌િડકલનો અભ્યાસ કરતા એક વિદ્યાર્થીનું લેપટોપ ચોરાયું હતું, જોકે પોલીસને આ ગુનાનો ભેદ ઉકેલવામાં પણ નિરાશા હાથ લાગી હતી, જેનું કારણ બંધ સીસીટીવી કેમેરા છે. આ સિવાય હોસ્પિટલના પાર્કિંગમાં અનેક વખત વાહનો ચોરાય છે, જેમાં આરોપીઓને પકડવા મુશ્કેલ હોય છે.

સિવિલ હોસ્પિટલના સીસીટીવી ઓપરેટર સંજય મરાઠીએ જણાવ્યું છે કે કુલ ર૪ર સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલા છે, જેમાં ૭૦ સીસીટીવી કેમેરા બંધ હાલતમાં છે. આ તમામ કેમેરા હાઇ ડે‌િફનેશન અને નાઇટ વિઝનના નથી. સીસીટીવી કેમેરા સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ એમ. એમ. પ્રભાકરની લોબીમાં, નવા ટ્રોમા સેન્ટરમાં, ડી બ્લોક, એફ બ્લોક અને ઓપીડીની બહાર ચાલુ છે જ્યારે બી બ્લોકના ર૦ કેમેરા, સી બ્લોકના ૧૦ કેમેરા, ઓપીડી ૧પ કેમેરા, જૂના ટ્રોમા સેન્ટરના ૧પ કેમેરા અને એ-પના ૧૦ કેમેરા બંધ છે. આ મામલે ‌િસ‌િવલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ એમ. એમ. પ્રભાકરે જણાવ્યું છે કે સિવિલ હોસ્પિટલમાં તમામ સીસીટીવી કેમેરા ચાલુ છે. શાહીબાગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ. કે. પટેલે જણાવ્યું છે કે બાળકને સિવિલ હોસ્પિટલમાં મૂકીને કોણ ગયું તે શોધવા માટે સિવિલ હોસ્પિટલના સીસીટીવી તપાસવા માટે ગયા તો ત્યાં સીસીટીવી કેમેરા બંધ હોવાનું સામે આવ્યું છે.
મૌલિક પટેલ

You might also like