ગંભીર બીમાર નવજાત શિશુને સિવિલ હોસ્પિટલમાં ત્યજીને યુવક ફરાર

અમદાવાદ: શહેરની સિવિલ હોસ્પિટલમાં નવજાત શિશુને સારવાર અર્થે ખસેડનાર એક યુવાન ભેદી રીતે લાપતા થતાં હોસ્પિટલમાં ચકચાર મચી ગઇ છે.  નારણપુરા વિસ્તારમાં આવેલ અંકુર રોડ પરના અર્જુન હોમ્સમાં રહેતા અને સિવિલ હોસ્પિટલમાં બાળકોના વોર્ડમાં ફરજ બજાવતા આનંદભાઇ મફતભાઇ પટેલે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં નવજાત શિશુને ત્યજી દેનાર વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરાવી છે. કનૈયાલાલ નામની વ્યકિત એક દિવસના જન્મેલ બાળકને લઇ હોસ્પિટલમાં આવ્યો હતો. બાળકને સિવિયર બર્થ એસ્થેસિયા હોવાથી તેને આઇસીયુમાં દાખલ કર્યો હતો. બાળકને દાખલ કરતી વખતે કેસ પેપરમાં તેમનું નામ કનૈયાલાલ છે અને આ બાળકની માતા ગીતાબહેન ચોરવાટા અને તે રાજસ્થાનના બાંસવાડા ‌િજલ્લાના ઓડવાડા ગામની રહેવાસી હોવાનું લખાવ્યું હતું.

શાહીબાગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.કે. પટેલે જણાવ્યું છે કે સિવિલ હોસ્પિટલમાં કનૈયાલાલે ડોક્ટરોને કહ્યું હતું કે સોલા સિવિલ હોસ્પિટલમાં બાળકની સારવાર નહીં થવાથી તેને અહીયાં લાવવામાં આવ્યું છે. તેણે કેસ પેપરમાં પોતાનું નામ અને મોબાઇલ નંબર પણ લખાવ્યો છે, જેના આધારે તપાસ ચાલુ છે.

હાલ બાળકની હાલત નાજુક છે ત્યારે હોસ્પિટલમાં જે તે વોર્ડના સીસીટીવી કેમેરા પણ બંધ છે જ્યારે કનૈયાલાલનો મોબાઇલ ફોન પણ સ્વિચ ઓફ આવે છે.

મોબાઇલ નંબરના આધારે અને હોસ્પિટલના કેસ પેપરમાં દર્શાવેલ સરનામા મુજબ તપાસ શરૂ કરી છે. કનૈયાલાલ સોલા હોસ્પિટલમાં બાળકની સારવાર માટે ગયો હતો કે નહીં તે મામલે પણ આજે તપાસ થશે. હાલ બાળક આઇસીયુમાં છે અને તેના પ્રોટેક્શન માટે એક મહિલા પોલીસને પણ મૂકવામાં આવી છે. આ ચકચારી ઘટનામાં એસીપી, ડીસીપી સહિત પોલીસ કર્મચારીઓ તપાસ કરી રહ્યા છે.

You might also like