સિવિલ હોસ્પિટલમાં એનેસ્થેસિયા આપ્યા બાદ યુવાનનું મોત નીપજ્યું

અમદાવાદ: અેશિયાની સૌથી મોટી ગણાતી સિવિલ હોસ્પિટલના તબીબની બેદરકારીને કારણે એક અાશાસ્પદ યુવાને પોતાની જિંદગી ગુમાવી હોવાનો કિસ્સો બહાર અાવ્યો છે. મૃતક યુવક પરિવારજનોએ તબીબ પર અાક્ષેપ કર્યો છે કે ડોક્ટર દ્વારા ઓપરેશન અગાઉ એનેસ્થેસિયાના ઈન્જેક્શન અાપ્યા બાદ તેની તબિયત લથડી હતી અને તેનું મોત નીપજ્યું હતું.
વીટીવી ન્યૂઝ ચેનલના ટેકનિશિયન તન્મય જાનીનું તબીબી બેદરકારીને કારણે મોત નીપજ્યું હોવાના અાક્ષેપને પગલે એફએસએલ પાસે પોસ્ટમોર્ટમ કરાવવામાં અાવ્યું છે અને પીએમ રિપોર્ટ બાદ અાગળની કાર્યવાહી કરાશે તેમ પોલીસે જણાવ્યું છે.

અસારવા વિસ્તારમાં રહેતા અને વી ટીવી ન્યૂઝ ચેનલમાં ટેકનિશિયન તરીકે કામ કરતા તન્મય જાની (ઉં.વ.૩૦)નો ૧૦ જાન્યુઅારીના રોજ અકસ્માત થયો હતો. અકસ્માતમાં તેઓને થાપાના ભાગે ફેક્ચર થયું હોવાથી ૧૩મી જાન્યુઅારીએ તેઓનું ઓપરેશન હતું. ઓપરેશન અગાઉ ડોક્ટર મોનલ પટેલ દ્વારા તેઓને એનેસ્થેસિયાનું ઈન્જેક્શન અાપવામાં અાવ્યું હતું અને ઈન્જેક્શન બાદ તેઓને કાર્ડિયાકની સમસ્યા સર્જાઈ હતી અને બાદમાં તેઓનું મોત નીપજ્યું હતું. મૃતક તન્મય જાનીના પિતા કનુભાઈ જાનીએ અાક્ષેપ કર્યો હતો કે ડોક્ટરની બેદરકારીને કારણે તેનું મોત નીપજ્યું હતું. મૃતકના પિતા કનુભાઈ જાનીએ જણાવ્યું હતું કે સવારે તેને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા બાદ એનેસ્થેસિયાનું ઈન્જેક્શન અાપ્યું હતું અને ત્યાર બાદ તેની તબિયત લથડી હતી છતાં ડોક્ટરોએ અમારાથી વાત છુપાવી અને તેઓએ મિસ ગાઈડ કર્યા હતા. અા ગંભીર બેદરકારી અંગે છે કે મુખ્યમંત્રી સુધી રજૂઅાત કરશે. તેમ તેમણે જણાવ્યું હતું.

સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. પ્રભાકરે જણાવ્યું હતું કે તન્મય જાનીના કેસમાં હોસ્પિટલના તબીબીઓ કોઈ બેદરકારી કરી નથી. ફેફસાંની નસો બ્લોક થઈ જવાના કારણે તેઓનું મોત નીપજ્યું હોવાનું અમારી ડોક્ટરી તપાસમાં બહાર આવ્યંું છે.

You might also like