સિવિક સેન્ટરોની કામગીરીમાં ધુપ્પલઃ ઉત્તર અને દક્ષિણ ઝોનના કોન્ટ્રાક્ટ રદ

અમદાવાદ: મ્યુનિ. કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા સિવિક સેન્ટરોની કામગીરીનું ખાનગીકરણ કરીને નાગરિકોની હાલત કફોડી કરી દીધી છે. સિવિક સેન્ટરોના જે તે ખાનગી કોન્ટ્રાક્ટરોના સ્ટાફની કામગીરીનાં ધાંધિયાંની અવારનવાર ફરિયાદ ઊઠતી જ હોય છે. તેમ છતાં તંત્ર અગમ્ય કારણસર આ કોન્ટ્રાક્ટરોને અત્યાર સુધી છાવરતું રહ્યું હતું, જોકે ઉત્તર અને દક્ષિણ ઝોનના કોન્ટ્રાક્ટરોના કોન્ટ્રાક્ટને રદ કરવાની સત્તાવાળાઓન છૂટકે-નાછૂટકે ફરજ પડી છે.
અમદાવાદ કોર્પોરેશનના પ૯ સિવિક સેન્ટરોના મેનપાવરનો કોન્ટ્રાક્ટ છ કોન્ટ્રાક્ટરોમાં વહેંચી દેવાયો હતો, જે પૈકી પ્રેસકોટ ઇન્ફો‌િસસ પાસે નવા પશ્ચિમ ઝોન, કોમલ એન્ટરપ્રાઇઝ પાસે મધ્ય ઝોન, ડી.બી. એન્ટરપ્રાઇઝ પાસે ઉત્તર ઝોન, હેતચીંત હોસ્પિટાલિટી પાસે પૂર્વ ઝોન, માઇક્રોટેક આઇટી સિસ્ટમ પાસે પશ્ચિમ ઝોન અને આર્ક ઇન્ફોસોફટ પાસે દક્ષિણ ઝોનના સિવિક સેન્ટરના મેનપાવરનો કોન્ટ્રાક્ટ હતો.
આ તમામ છ ખાનગી કોન્ટ્રાક્ટરોનાે કોન્ટ્રાક્ટ ગત તા.૩૦ એપ્રિલ, ર૦૧૬એ પૂર્ણ થયો હતો, જોકે ફરીથી એક વર્ષ કોન્ટ્રાક્ટ લંબાવવાના મામલે ઇ-ગવર્નન્સ વિભાગ મૂંઝવણમાં મુકાઇ ગયો હતો, કેમ કે ઉત્તર ઝોનના કોન્ટ્રાક્ટર ડી.બી. એન્ટરપ્રાઇઝ અને દક્ષિણ ઝોનના કોન્ટ્રાક્ટર આર્ક ઇન્ફોસોફટની કામગીરી સદંતર ખરાબ હતી! જોકે આ બંને કોન્ટ્રાક્ટરોએ પુનઃ કામ મેળવવા ભારે દોડધામ કરી હતી, પરંતુ સત્તાધારી ભાજપના સ્થાનિક કોર્પોરટરોના ‘દબાણ’ના કારણે ડી.બી. એન્ટરપ્રાઇઝ અને આર્ક ઇન્ફોસોફટના કોન્ટ્રાક્ટ રદ કરવાની સત્તાધીશોને મને-કમને ફરજ પડી છે.
બીજી તરફ મ્યુનિ. સત્તાવાળાઓએ ઉત્તર અને દક્ષિણ ઝોનના આ રદ કોન્ટ્રાક્ટોનો હવાલો પ્રેસકોટ ઇન્ફો‌િસસને સોંપીને એક પ્રકારે કુલડીમાં ગોળ જ ભાંગ્યો હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે, જોકે આ અંગે ઇ-ગવર્નન્સનો હવાલો સંભાળતા ડેપ્યુટી કમિશનર કિશોર બચાણીનો સંપર્ક થઇ શકતો નથી. દરમ્યાન જમાલપુરના અપક્ષ કોર્પોરેટર ઇમરાન ખેડાવાલાએ એવો આક્ષેપ કર્યો છે કે મધ્ય ઝોનના કોન્ટ્રાક્ટર કાેમલ એન્ટરપ્રાઇઝની કામગીરી પણ ખરાબ છે. રિલીફરોડ સિવિક સેન્ટર, દરિયાપુર સિવિક સેન્ટર જેવાં સિવિક સેન્ટર હંમેશાં એક અથવા બીજા કારણસર બંધ રહેતાં હોઇ લોકોને બળબળતા તાપમાં હેરાન થવું પડે છે તો તંત્રે કેમ આ કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ ચાલુ રાખ્યો છે?”
અત્રે ઉલ્લેખનીય છે કે સત્તાવાળાઓએ સિવિક સેન્ટરમાં મેનપાવરના કોન્ટ્રાક્ટ માટે નવેસરથી ટેન્ડર બહાર પાડવાની પણ તસ્દી લીધી નથી. આને બદલે જે તે કોન્ટ્રાક્ટર પાસેથી વધુ એક વર્ષ કામગીરી લંબાવવાનો સંમતિપત્ર મેળવીને કોન્ટ્રાક્ટરોને થાબડવાની નીતિ જ અપનાવી છે!

You might also like