પ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે

(અમદાવાદ બ્યૂરો)
અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવકનો એકમાત્ર સ્ત્રોત પ્રોપર્ટી ટેકસ હોઇ માર્ચ એન્ડિંગના આ છેલ્લા અઠવાડિયામાં તંત્રે ચાલુ નાણાકીય વર્ષ ર૦૧૮-૧૯નો પ્રોપર્ટી ટેક્સનો રૂ.૯૦૦ કરોડનો નિર્ધારિત લક્ષ્યાંક મેળવવા માટે શહેરભરમાં મોટાપાયે ડિફોલ્ટરો સામે સીલિંગ ઝુંબેશ આરંભી છે.

ઇ કાલે વધુ ૧૧૮૦ મિલકતને તાળાં મરાયાં હતાં તેમજ એસટીબસ સ્ટેન્ડ પાસે આવેલ હબ ટાઉનમાંથી રૂ.૪૪.પ૦ લાખની રિકવરી કરાઇ હતી આ ઉપરાંત ન્યૂ કલોથ માર્કેટમાં સમૂહ ઝુંબેશ કરીને રૂ.ર૩.પ૦ લાખ વસૂલાયા હતા. દરમ્યાન કરદાતાઓ માટે આજે અને આવતી કાલે એમ બે દિવસની રજાના દિવસે શહેરના છ મુખ્ય સિવિક સેન્ટર ખાતે સવારના દશ વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી ચાલુ રહેશે.

તંત્ર દ્વારા ઉસ્માનપુરા, બોડકદેવ, મણિનગર, મેમ્કો, વિરાટનગર અને રિલીફરોડ સહિતના કુલ છ મુખ્ય સિવિક સેન્ટરોને શનિ-રવિની જાહેર રજાના દિવસોમાં પણ પ્રોપર્ટી ટેક્સ, પ્રોફેશન ટેક્સ અને વેહીકલ ટેક્સની ભરપાઇ માટે ચાલુ રખાશે. આ ઉપરાંત આાગામી તા.૩૦ માર્ચ, શનિવારે આ તમામ મુખ્ય સિવિક સેન્ટર રાતના દશ વાગ્યા સુધી ચાલુ રહેશે અને તા.૩૧ માર્ચ રવિવારે તમામ ઝોનના પ૯ સિવિક સેન્ટર સાંજના સાત વાગ્યા સુધી અને તમામ મુખ્ય સિવિક સેન્ટર રાતના બાર વાગ્યા સુધી ચાલુ રહેશે.

દરમ્યાન ગઇ કાલે સત્તાવાળાઓએ મધ્ય ઝોનમાં સૌથી વધુ ૩૩૪, ઉત્તર ઝોનમાં ૧૬૭, દક્ષિણ ઝોનમાં ૯૪, પૂર્વ ઝોનમાં ૧પપ, પશ્ચિમ ઝોનમાં સૌથી ઓછી ૭પ, ઉત્તર પશ્ચિમ ઝોનમાં રપ૩ અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ૧૦ર મિલકતને તાળાં માર્યાં હતાં.

આ દરમ્યાન ગઇકાલે મ્યુનિસિપલ તિજોરીમાં ટેક્સ આવક પેટે રૂ.આઠ કરોડ ઠલવાતાં તંત્રની ટેકસ આવક કુલ રૂ.૮૪૬.૬૦ કરોડ થઇ છે. જે ગત નાણાકીય વર્ષ ર૦૧૭-૧૮ના આટલા સમયગાળામાં થયેલી રૂ.૮૦પ.પ૪ કરોડની આવક કરતા રૂ.૩૧.૦૬ કરોડ વધુ છે.

You might also like