શહેરમાં ટેન્કરરાજઃ અનેક વિસ્તારમાં પાણીનો કકળાટ

અમદાવાદ: અમદાવાદ માટે છેક ર૦૧૦માં સો ટકા વિસ્તારને પાણી અને ગટરની સુવિધાથી આવરી લેવાનો સ્વર્ણિમ ગોલ કોર્પોરેશન દ્વારા જાહેર કરાયો હતો. ત્યાર બાદ તો અવનવી જાહેરાતો થઇ. હવે તંત્ર ‘લવેબલ, લિવેબલ, સ્માર્ટ અમદાવાદ’નાં ઢોલ નગારાં પીટી રહ્યું છે, પરંતુ કડવી વાસ્તવિકતા એ છે કે આજે પણ શહેરના દસ ટકાથી વધુ વિસ્તારમાં પીવાનાં પાણીની સગવડ પૂરી પડાઇ નથી. સ્માર્ટ સિટીના દાવા વચ્ચે ઉનાળાના પ્રારંભમાં જ શહેરમાં ટેન્કર રાજ જોવા મળ્યું છે. ખુદ કોર્પોરેશનનાં દરરોજનાં ૩રપ જેટલાં ટેન્કર નાગરિકોની તરસ છીપાવી રહ્યાં છે.

શહેરીજનો માટે નળ, ગટર અને રસ્તાના પ્રશ્નો હજુ પણ વિકરાળ છે. પ્રાથમિક સુવિધા માટે લોકોને રીતસર ઝઝુમવું પડે છે. દર વર્ષે ઉનાળાની શરૂઆત થતાં જ પ્રજા પાણીનો પોકાર પાડે છે. આ વર્ષે પણ પાણીનો કકળાટ જેમનો તેમ છે. ઉપરથી રાસ્કાનો પાણી પુરવઠો બંધ પડવાથી પાણીની બૂૂમ વધી છે.

ખાસ કરીને શહેરના દ‌િક્ષણ ઝોન, નવા પશ્ચિમ ઝોન અને પૂર્વ ઝોનમાં હજારો નાગરિકો પીવાનાં પાણી માટે વલખાં મારી રહ્યા છે. પાણીની લાઇનના નેટવર્કિંગના અભાવે દ‌િક્ષણ ઝોનમાં તંત્રના દૈનિક ૧રપ ટેન્કર આંટા-ફેરા મારે છે. નવા પશ્ચિમ ઝોન, ઉત્તર ઝોન, પૂર્વ ઝોનમાં દરરોજના ૬૦થી ૭૦ ટેન્કર પૂરાં પાડવાની લોક માગણી ઊઠે છે. મધ્ય ઝોનમાં દૂષિત પાણીનો ત્રાસ છે. જેના કારણે જમાલપુર, ખાડિયા, દરિયાપુર જેવા વોર્ડમાં દરરોજનાં પાંચથી દસ ટેન્કર મોકલવાં પડે છે.

અમદાવાદના બહેરામપુરા, દાણીલીમડા, સરખેજ, જુહાપુરા, મકતમપુરા, લાંભા, રામોલ, હાથીજણ, કુબેરનગર, સૈજપુર, નોબલનગર, નિકોલ, મોટેરામાં પાણીની તંગી છે. તંત્રનાં વર્કશોપનાં માલિકીનાં ટેન્કર ઉપરાંત દૈનિક રૂ.રપ૦ના ભાડેથી લેવાતાં ખાનગી કોન્ટ્રાકટરોનાં ટેન્કરનો ખર્ચ ગણતાં આજે મ્યુનિસિપલ તિજોરીમાંથી દૈનિક એક લાખથી વધુ રૂપિયા પીવાનાં પાણીનાં ટેન્કર દોડાવવાં ખર્ચાઇ રહ્યાં છે. જોકે જેમ જેમ ઉનાળો આગળ વધશે તેમ તેમ ટેન્કરનો ખર્ચ ત્રણથી ચાર ગણો થશે તેમ પણ આધારભૂત સૂત્રો જણાવે છે.
http://sambhaavnews.com/

You might also like